
અમદાવાદ, કમોસમી વરસાદની વચ્ચે આકાશમાંથી અગનવર્ષા વરસતા રાજ્યમાં ભીષણ ગરમીનો અનુભવ વર્તાઈ રહ્યો છે. ગુરૂવારે રાજ્યના ૧૩ શહેરોનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર નોંધાયું છે. જેમાં ૪૩.૬ ડિગ્રી સાથે ગુરૂવારે અમદાવાદમાં સિઝનની સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો. એટલુ જ નહીં આગામી સપ્તાહે અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૭ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.
અમદાવાદમાં બુધવારે ૩૯.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતુ. અને એક જ દિવસ એટલે કે ૨૪ કલાકમાં અમદાવાદના મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થયો. અમદાવાદ જ નહીં ડીસાનું પણ મહત્તમ તાપમાન ૪૩.૬ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૩.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જ્યારે ભૂજમાં ૪૨.૯ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં ૪૨.૫ ડિગ્રી, રાજકોટમાં ૪૨.૪ ડિગ્રી તાપમાન નોંધાયું. આ તરફ સુરેન્દ્રનગરમાં ૪૨.૩ ડિગ્રી. વડોદરામાં ૪૨.૨ ડિગ્રી, મહુવામાં ૪૧.૬ ડિગ્રી, અમરેલીમાં ૪૧.૨ ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે ભાવનગરમાં ૪૧.૧ ડિગ્રી, કેશોદમાં ૪૦.૫ ડિગ્રી, સુરતમાં ૪૦.૪ ડિગ્રી તાપમાન નોંધાયું.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે શુક્રવારે (૧૭ મે) પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પૂર્વ રાજસ્થાન, ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ હીટવેવની સંભાવના છે.આઈએમડી એ કહ્યું કે આ સ્થળોએ પણ હીટવેવ ચાલુ રહેશે. હવામાન વિભાગે ૨૦ મેના રોજ પંજાબ, પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના કેટલાક સ્થળોએ તીવ્ર ગરમીનું મોજું આવવાની આગાહી કરી છે.
પંજાબમાં હીટ વેવ ને કારણે ગુરુવારે મહત્તમ તાપમાન ૪૬.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પંજાબ અને હરિયાણાના મોટાભાગના વિસ્તારોમાં ગરમ હવામાન યથાવત છે. હવામાન વિભાગે કહ્યું કે ૨૦ મેના રોજ પૂર્વ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ઓડિશાના કેટલાક સ્થળોએ ગરમીની લહેર આવવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ૧૭ થી ૨૦ મે દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ (૧૧૫.૫-૨૦૪.૫ મીમી) થઈ શકે છે.
આઈએમડીએ ગુરુવારે (૧૬ મે, ૨૦૨૪) કેરળના કેટલાક જિલ્લાઓ માટે ૧૮ થી ૨૦ મે સુધી નારંગી ચેતવણી જારી કરી હતી. આ સાથે વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ ની આગાહી કરી છે.ખરાબ હવામાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને, આઈએમડી એ દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં માછીમારોને ૧૮ થી ૨૦ મે સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે.હવામાન વિભાગે કહ્યું કે આંતરિક દક્ષિણ કર્ણાટકમાં ૧૮-૨૦ મે દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ (૧૧૫.૫-૨૦૪.૫ મિમી) થઈ શકે છે.