
અમદાવાદ,
રાજ્યમાં બે દિવસ બાદ ફરી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. એક જ રાતમાં પારો ૩ ડિગ્રી સુધી ગગડતાં કડક્તી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના ૧૨ શહેરોમાં ઠંડી વધી છે. અમદાવાદમાં પવન ફંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો છે. નલિયામાં ૧૦.૨ ડિગ્રી, જ્યારે અમદાવાદમાં ૧૪.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં વાતાવતરણ સુકું રહેતાં ઠંડીમાં રાહત જોવા મળી છે. ફરી ઠંડીનો ચમકારો જોવા મળતાં લોકો રાતના સમયે તાપણું કરતાં અને ગરમ કપડામાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ તાપમાન ગગડશે. આગામી ૪૮ કલાક તાપમાન ગગડશે અને ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઇ ફેરફાર જોવા મળશે નહીં. જ્યારે ૨૪ કલાક વાતાવતરણ સુકૂં રહેશે. આમ, હવામાન વિભાગની આગાહી અનુસાર, હવે ઠંડીમાં વધારો થતો જોવા મળશે.
અમદાવાદમાં પારો ૧૪.૧ ડિગ્રીએ પહોંચ્યો છે. પવનની ગતિ ૧૦ કિલોમીટરની રહેતા ઠંડીની તીવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગાંધીનગરમાં ૧૫.૩, વડોદરામાં ૧૪.૪, સુરતમાં ૧૫.૮, રાજકોટમાં ૧૨.૫, નલિયામાં ૧૦.૨, ભુજમાં ૧૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થયો હતો. બે દિવસથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડી ગાયબ થઈ હતી. હવે ફરી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. હવામાનની આગાહી પ્રમાણે હવે ફરી કડકડતી ઠંડી પડવા લાગી છે.
માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી યથાવત છે. વર્ષ ૨૦૨૨ના છેલ્લા દિવસે શનિવારે બપોર બાદ મોડી રાત સુધી ઠંડીની અસર જોવા મળી હતી. નવા વર્ષની પહેલી સવારે નક્કી તળાવમાં બોટ બરફમાં થીજી ગયેલી જોવા મળી હતી. નવા વર્ષના પ્રથમ દિવસે રવિવારે માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચું નોંધાયું હતું. આ સાથે જ પ્રવાસીઓએ પણ ઠંડીનો ભરપૂર આનંદ માણ્યો હતો.