રાજ્યમાં ઠંડીની સિઝનમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અને જાણકારોના મતે રાજ્યમાં 7 દિવસ સુધી ફરી માવઠુ થવાની શક્યતા છે. આ સાથે જ કાતિલ ઠંડી પણ પડી શકે છે. અરબ સાગરમાં સર્ક્યુલેશન સર્જાતા હવામાન બદલાશે અને 7 દિવસ માવઠાની સંભાવના છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની સૌથી વધુ અસર થશે.
રાજ્યમાં હજુ ગત અઠવાડિયે આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ગયેલી નુકસાનીની કળ વળી નથી ત્યા ફરી એકવાર રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ધરતીપુત્રો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. જેમા રાજ્યમાં સાત દિવસ માવઠાની સ્થિતિ રહેવાની સંભાવના છે. આગામી 5 થી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ નહીં પડે જ્યારે દાહોદ, મહિસાગર, પંચમહાલ અને ખેડા જિલ્લામાં સામાન્ય છુટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન વડોદરા, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. પરંતુ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ થાય તેવી શક્યતા નહીવત છે. ફરી એકવાર માવઠાની આગાહી અંગે હવામાન વિભાગે જણાવ્યુ કે ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં એક સર્ક્યુલેશન સર્જાયુ છે. જેને કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય હળવા વરસાદની સંભાવના છે .
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે મધ્ય અને દ.ગુજરાતમાં 7 ડિસેમ્બર સુધી માવઠાંની અસર રહેશે. આગામી દિવસોમાં બંગાળાની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે. જેને કારણે 150 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા કાતિલ ઠંડીની પણ આગાહી છે. ગઈ વખતે જેમ માવઠું રાજ્યભરમાં સાર્વત્રિક હતું. પણ જાણકારો કહે છે કે આ વખતે ત્રણ દિવસ થનારું માવઠું સાર્વત્રિક નહીં હોય. 1 ડિસેમ્બરે રાજ્યના હવામાનમાં બદલાવ આવવાનું શરૂ થશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ 2, 3 અને 4 ડિસેમ્બર એમ ત્રણ દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો સમાવેશ થાય છે. 5 ડિસેમ્બરથી હવામાન ફરીથી ચોખ્ખું થઈ જશે.