- બીજેપી નેતા સુભેન્દુ અધિકારીએ કહ્યું કે અમને માત્ર પરિણામો જોઈએ છે.
બંગાળ વિધાનસભામાંથી બળાત્કાર વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું છે. આ દરમિયાન, સીએમ મમતા બેનર્જીએ બિલને ઐતિહાસિક ગણાવ્યું અને કહ્યું કે રાજ્યમાં એક વિશેષ અપરાજિતા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે, જે મહિલાઓ વિરુદ્ધ ગુનાઓની તપાસને ઝડપી બનાવશે. વિપક્ષી પાર્ટી ભાજપે પણ આ બિલ પર સરકારને ટેકો આપ્યો હતો, પરંતુ કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે આ બિલને વહેલી તકે કાયદો બનાવીને લાગુ કરવામાં આવે. બીજેપી નેતા સુભેન્દુ અધિકારીએ કહ્યું કે અમને માત્ર પરિણામો જોઈએ છે.
અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ (વેસ્ટ બંગાળ ક્રિમિનલ લો એન્ડ એમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૪ પર વિધાનસભામાં ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે હું બળાત્કાર પીડિતા અને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આ એક ઐતિહાસિક બિલ છે. આ બિલનો ઉદ્દેશ ઝડપી તપાસ, ઝડપી ન્યાય અને ગુનેગારોને કડક સજા કરવાનો છે. તેમણે કહ્યું, ’બળાત્કાર માનવતા સામેનો અભિશાપ છે અને આવા ગુનાઓને રોકવા માટે સામાજિક સુધારાની જરૂર છે.’
મુખ્યમંત્રીએ કહ્યું કે આ વિધેયકની જોગવાઈઓ હેઠળ, અમે સમયબદ્ધ રીતે તપાસ પૂર્ણ કરવા માટે વિશેષ અપરાજિતા ટાસ્ક ફોર્સની રચના કરીશું. જેના કારણે મહિલાઓ અને બાળકો વિરૂદ્ધના ગુનાઓની તપાસ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી શકાશે અને ગુનેગારોને સજા થઈ શકશે.
બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે આ બિલ દ્વારા તેમની સરકારે પીડિતો અને તેમના પરિવારોને ન્યાય આપવા માટે કેન્દ્રીય કાયદાઓમાં રહેલી છટકબારીઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને તે તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોના રાજીનામાની પણ માંગ કરી છે જેઓ ’મહિલાઓની સુરક્ષા માટે અસરકારક કાયદાનો અમલ કરવામાં સક્ષમ નથી’.
અપરાજિતા મહિલા-બાળ બિલને ઐતિહાસિક ગણાવતાં મુખ્યમંત્રીએ આ બિલને અન્ય રાજ્યો માટે પણ એક નમૂનો ગણાવ્યું હતું. બિલ પર ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્યોએ સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી હતી. આ અંગે નારાજગી વ્યક્ત કરતા સીએમએ કહ્યું કે, ’જે કારણોસર તમે મારા વિરુદ્ધ નારા લગાવી રહ્યા છો તે જ કારણોસર હું પણ વડાપ્રધાન અને ગૃહમંત્રી વિરુદ્ધ નારા લગાવું તો?’
મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધનો દર અસામાન્ય રીતે ઊંચો છે, જ્યારે પશ્ર્ચિમ બંગાળમાં શોષણનો ભોગ બનેલી મહિલાઓને અદાલતોમાં ન્યાય મળી રહ્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ રોકવા માટે કેન્દ્ર સરકારનો કાયદો મ્દ્ગજી બનાવતી વખતે બંગાળની સલાહ લેવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે તેઓ નવી સરકારની રચના બાદ આ અંગે ચર્ચા કરવા ઈચ્છે છે. તેમણે વિપક્ષને કહ્યું કે તેઓ રાજ્યપાલને કોઈપણ વિલંબ કર્યા વિના બિલ પર હસ્તાક્ષર કરવા કહે.
બિલ પર ચર્ચા દરમિયાન બીજેપી નેતા શુભેંદુ અધિકારીએ કહ્યું, ’અમે ઈચ્છીએ છીએ કે આ બળાત્કાર વિરોધી બિલ તાત્કાલિક લાગુ કરવામાં આવે. આ જવાબદારી રાજ્ય સરકારની છે. અમને પરિણામો જોઈએ છે. અમે આ મુદ્દે કોઈ વિભાજન ઈચ્છતા નથી, અમે તમને સંપૂર્ણ સમર્થન આપીશું અને મુખ્યમંત્રી જે ઈચ્છે તે કહી શકે છે, પરંતુ તમારે ખાતરી આપવી પડશે કે આ બિલ તાત્કાલિક અમલમાં આવશે.