રાજ્યમાં એક માત્ર દાહોદની છાત્રાઓ કરે છે ફિટર ઇલેકટ્રીશીયન અને વેલ્ડરનો કોર્સ

  • મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા દાહોદ ધ્વારા છાત્રાઓને આત્મ નિર્ભર માટે અનોખી પહેલ.
  • મહિલા સશક્તી કારણની ઉદાહરણ પૂરૂં પાડતી મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા દાહોદ

દાહોદ,મહિલાઓને આર્થિક સ્વાવલંબનનું વાતાવરણ પૂરૂં પાડવામાં દાહોદની મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા અગ્રેસર ભૂમિકા અદા કરી રહી છે. સમગ્ર ગુજરાતમાં આ આઈ ટી આઈ એક માત્ર એવી ઔધોગિક તાલીમ સંસ્થા છે કે, જ્યાં છાત્રોઓને ફિટર અને ઇલેકટ્રીશિયન, વેલ્ડરની તાલીમ આપવામાં આવે છે.

એટલે કે માત્ર આજ આઈ.ટી.આઈ.માં આ કોર્સ ઉપલબ્ધ છે, અત્યાર સુધી માત્ર છોકરાઓ જ જે અભ્યાસ ક્રમમાં પ્રવેશ મેળવતા હતા. ત્યાં છોકરીઓ પણ વટભેર પ્રવેશ મેળવી પગભર થવા પ્રયત્ન કરી રહી છે. આ કોર્સ પૂરો કર્યા બાદ રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં રોજગારી અને સ્વરોજગારી મેળવીને કુટુંબનું ઉત્થાન કરી રહી છે. દાહોદ મહિલા ઔધોગિક સંસ્થામાં કુલ 8 કોર્સ ચલાવવામાં આવે છે. તેમાં 432 બેઠકો છે અને મોટે ભાગે આ બેઠકો ભરાઈ જાય છે. તે પૈકી ફિટર, વેલ્ડર અને ઇલેકટ્રીશિયન બેઠકો 40-40 છે, અન્ય કોર્સ જોઈએ તો બેઝિક કોસ્મેટોલોજી, કોમ્પ્યુટર ઓપરેટીંગ એન્ડ પોગ્રામીંગ આસિસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લિશીંગ ઓપરેટર, ફેશન ડિઝાઈન ટેકનોલોજી જેવા કોર્સ તાલીમાર્થોઓને ઓફર કરવામાં આવે છે અહીં આપણે વાત કરવી છે વેલ્ડર,ફિટર અને ઇલેકટ્રીશિયનની જેવા વધુ શક્તિ માંગી લેતા કાર્યની, સામાન્ય રીતે આ કોર્સમાં પુરૂષોનું પ્રમાણ વધુ હોય છે, પણ દાહોદની મહિલા આઈ.ટી.આઈ એ અલગ પ્રયતનો કર્યા છે.

આ ત્રણે કોર્સમાં દર વર્ષની જેમ તમામ બેઠકો આ વર્ષે ભરાવા તરફ જઈ રહી છે. ટ્રાયબલ આઈ ટી આઈ હોવાથી આદિજાતિ તાલીમઆર્થીઓને પ્રવેશમાં આગ્રતા આપવામાં આવે છે.

વેલ્ડરનો કોર્સ કરતી ભૂરિયા કાજલબેન મગનલાલ આ છાત્રા ગર્વ સાથે કહે છે કે, “હવે મહિલાઓ પણ પુરૂષ સમોવડી બની છે, મેં આ કોર્સ ઉત્સાહ સાથે કર્યો છે, આકાશ જેવા ક્ષેત્રોઓને જો મહિલાઓ સર કરતી હોય તો આ વેલ્ડરનો કોર્સ છે. તે કરી શકાય હું નોકરી કરીશ, નહીં તો વેલ્ડીંગનો મારો પોતાનો વ્યવસાય કરીશ. શોભનાબેન ડિંડોર જણાવે છે કે “હું ફિટરનો અભ્યાસ કરૂં છું, આઈ ટી આઈ મા અમને અભ્યાસ અને તાલીમનું સારૂં વાતાવરણ મળ્યું છે, સરકારે સારી સુવિધા અહીં ઉપલબ્ધ કરાવી છે. આ અભ્યાસ કરી હું આર્થિક રીતે પગભર બનીશ.”આવી જ વાત ઇલેકટ્રીશિયનમાં અભ્યાસ કરતી ખુશવાહ ટ્વિંકલ પણ કહે છે. તે પણ અહીં ઇલેકટ્રીશિયનનો કોર્સ કરી આર્થિક રીતે સક્ષમ થવા માંગે છે.

આ સંસ્થાના પ્રિન્સિપાલ પી.જે. મસીહ એ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આટલા વર્ષોના અનુભવથી એટલું ચોક્કસ કહી શકું કે, આદિજાતિઓ ક્ષેત્રની ક્ધયાઓ ગ્રહણશક્તિ અને ધગશ ધરાવે છે. વધુ ઉત્સાહથી આવા પરિશ્રમ માંગીલે તેવા કોર્સમાં સહર્ષ એડમિશન લેશે. મહિલા આઈ.ટી.આઈમાં હવે વ્યક્તિત્વ વિકાસના કલાસ શરૂ કરવામા આવ્યા છે. જેમાં અંગ્રેજીની સાથે છાત્રોઓને વક્રુત્વ કલા પણ શીખવવામાં આવે છે, અભ્યાસ કર્યો બાદ તે જોબ કરી શકે એ માટે વાલીઓનું પણ કાઉન્સિલિંગ કરવામાં આવે છે. આમાં દાહોદની મહિલા આઈ ટી આઈ આદીજાતિ ક્ધયાઓને આર્થિક રીતે સક્ષમ થવા ઉત્તમ ઉદાહરણ પૂરી પાડી રહી છે.