ગાંધીનગર, રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે વરસાદનું જોર ઘટ્યું છે અને છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૦૪ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ભાવનગરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. આ સિવાય ભારે વરસાદને પગલે પાણીની આવક થતા નદી, નળા સહિત ડેમો છલકાઈ ગયા હતા. રાજ્યનો ચાલુ સિઝનમાં કુલ સરેરાશ વરસાદ ૪૬.૬૯ ટકા નોંધાયો છે.
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યુ છે ત્યારે ૧૦૪ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમા ભાવનગરમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભાવનગરના શિહોરમાં મેઘરાજાએ સટાસટી બોલવતા ૫ ઈંચ વરસાદ વરસ્યો હતો જેના પગલે ઠેર-ઠેર પાણી ભરાય ગયા હતા. અનેક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય ઉમરપાડામાં ૪ ઈંચ, વાલોડમાં ૩.૫ ઈંચ, ઉમરાળામાં ૩.૫ ઈંચ, કપરાડામાં સવા ૩ ઈંચ, બોડેલીમાં ૩ ઈંચ, પલસાણામાં ૨.૫ ઈંચ, કામરેજ અને ક્વાંટમાં ૨.૫ ઈંચ, વ્યારા અને બારડોલીમાં ૨.૫ ઈંચ, ઉચ્છલમાં ૨.૫ ઈંચ, સોનગઢમાં ૨.૫ ઈંચ, માંડવીમાં સવા ૨ ઈંચ, ઓલપાડમાં પોણા ૨ ઈંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જેમાં દમણ, દાદરા નગર હવેલી, પાટણ, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની શક્યતાઓ છે. આ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદની શક્યતાઓ છે. આ સાથે જ હવામાન વિભાગે આવતીકાલથી ૧૭ સુધીમાં રાજ્યના અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની પડવાની સંભાવના છે.