- જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ખેડા જીલ્લા પરીક્ષા સમિતિના સભ્યોએ આ વિડીયો કોન્ફરન્સમાં જોડાઈને જીલ્લામાં બોર્ડ પરીક્ષા અંગે એક્શન પ્લાન-2024 રજૂ કર્યો.
- એસ.એસ.સી અને એચ.એસ.સી પરીક્ષા માર્ચ -2024 અંતર્ગત ખેડા જીલ્લામાં કુલ 68 કેન્દ્રો પર ધો.10 અને 12ના અંદાજીત 46,297 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
નડીયાદ,ગુજરાત મા. અને ઉ.મા.શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 11 માર્ચના રોજ એસ.એસ.સી અને એચ.એસ.સી બંને બોર્ડ પરીક્ષા ખેડા જીલ્લામાં સૌહાર્દ વાતાવરણથી લેવાય તે માટે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, શિક્ષણ સચિવ રાવ અને બોર્ડના અધ્યક્ષ ડો. બંછાનિધિ પાણી દ્વારા વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ખેડા જીલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ખેડા જીલ્લા પરીક્ષા સમિતિના સભ્યો આ વીડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા. બોર્ડ પરીક્ષા વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી, શું વ્યવસ્થા કરવી, વિદ્યાર્થીઓના હિતાર્થે સુંદર આયોજનમાં પરીક્ષા લેવાય તે માટે ખેડા જીલ્લા પરીક્ષા સમિતિએ એક્શન પ્લાન 2024 વીડિયો કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો.
જીલ્લા કલેક્ટરએ ખેડા જીલ્લાની બોર્ડ પરીક્ષા પારદર્શક રીતે લેવાય તે માટે સ્થળ સંચાલકોની તેમજ સુપરવાઇઝર શિક્ષકોની મીટીંગ લઈને બોર્ડ પરીક્ષાના આયોજન માટે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતુ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષાઓ તા. 11/03/2024 થી 26/03/2024 દરમિયાન યોજાશે. પરીક્ષાના આયોજન સંદર્ભે પરીક્ષાના બિલ્ડીંગ, બ્લોક તથા વિદ્યાર્થીઓની સંખ્યા, પ્રતિબંધાત્મક હુકમો તથા જાહેરનામું, પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ ફોન, બ્લ્યુ ટુથ તેમજ કોઈપણ પ્રકારના વીજાણુ ઉપકરણનાં પ્રતિબંધ, સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર તથા વિજ્ઞાન પ્રવાહના કેન્દ્રો ઉપર વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓને સ્કવોર્ડ નિયુક્તિ, પરીક્ષાકેન્દ્રની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, પરીક્ષા કેન્દ્ર ખાતે ગેરરીતિ માસ કોપી કે સ્ટાફની અન્ય બેદરકારીએ બદલ શિક્ષાત્મક કાર્યવાહી, પરીક્ષા કેન્દ્રો પર ઈઈઝટ કેમેરાની સગવડ બાબત તેમજ ઈઈઝટ કેમેરીના ફૂટેજ જોવાની ટીમ અને વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ તથા હેલ્પલાઈનની વ્યવસ્થા માટે સારથી હેલ્પલાઈનની શરૂ કરવા સહિતના મહત્વના મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, એસ.એસ.સી અને એચ.એસ.સી પરીક્ષા માર્ચ -2024 અંતર્ગત ખેડા જીલ્લામાં કુલ 68 કેન્દ્રો, 157 પરીક્ષા સ્થળ અને 1680 બ્લોક પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો. 10 અને 12 ના અંદાજીત 46,297 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેશે. જેમાં કુલ 157 સ્થળ સંચાલકો, 1765 બ્લોક સુપરવાઇઝર, 157 વહીવટી કર્મચારીઓ, 184 ઝોનલ પ્રતિનિધિઓ દ્વારા સમગ્ર બોર્ડ પરીક્ષાનું સંચાલન કરવામાં આવશે. સમગ્ર પરીક્ષા શાંતિમય વાતાવરણમાં લેવાય તે માટે જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ પરીક્ષા સ્થળ સુરક્ષા માટે સંપૂર્ણ પોલીસ સ્ટાફ પૂર્ણ પાડવા અને વ્યવસ્થામાં મદદ કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જીઈબી, એસ.ટી સહિત વિભાગના પરીક્ષા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.