રાજ્યમાં ૨૪,૭૦૦ ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

આજે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં ૨૪,૭૦૦ ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો છે.આ સૂચિત ભરતી કેલેન્ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-૨૦૨૪થી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે ૨૪,૭૦૦થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ૠષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી. ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ૧૨૦૦ જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત ૨૨૦૦ જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. ૦૧/૦૮/૨૦૨૪ રહેશે.

ૠષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ મળીને અંદાજે ૪૦૦૦ જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે ૭૫૦ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે ૩૨૫૦ જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. ૦૧/૦૯/૨૦૨૪ રહેશે. આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ ૩૫૦૦ જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.૦૧/૧૦/૨૦૨૪ રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયકની ૫૦૦ જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયકની ૩૦૦૦ જગ્યા માટે ભરતી જાહેરાત થશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે ટીઇટી ૨ ટપાસ ઉમેદવારો માટેની અંદાજે ૭૦૦૦ જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. ૦૧/૧૧/૨૦૨૪ રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માયમ) ટેટ-૨ પાસ ઉમેદવારોની અંદાજે ૬૦૦ જેટલી જગ્યાઓ માટે સંભવત: તા. ૦૧/૧૧/૨૦૨૪ના રોજ જાહેરાત કરાશે.

આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે ટીઇટી-૧ પાસ ઉમેદવારો માટેની અંદાજે ૫૦૦૦ જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે ટીઇટી-૧ પાસ ઉમેદવારો માટેની અંદાજે ૧૨૦૦ જગ્યાઓ માટે ભરતી માટે સંભવત: તા.૦૧/૧૨/૨૦૨૪ના રોજ જાહેરાત થશે.

તેમણે કહ્યું કે, આ નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલી ભરતીમાં ટીઇટી-૧માં વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૩ સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા ટીઇટી-૨ માં ૨૦૧૧ થી ૨૦૨૩ સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે.