
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક ખુશ ખબર છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. આમ હવે પેન્શનર્સ અને કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું મળશે.
રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને લાભ મળશે. રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ-2024 થી નવેમ્બર-204 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિરોમ્બરના પગાર સાથે (પેઇડ ઇન જાન્યુઆરી-2025) રોકડમાં ચૂકવવાની રહેશે. આ મોંઘવારી ભથ્થામાં 50 (પચાસ) પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 (પચાસ) પૈસા કરતા ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં.
આ પ્રકારના કર્મચારીઓને મળશે મોંઘવારી ભથ્થાનો લાભ
- આ હુકમ જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ/સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજુરીથી સાતમા પગારપંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલ છે તેવા કર્મચારીઓને લાગુ પડશે.
- આ મોંઘવારી ભથ્થાનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલા કર્મચારીઓ તેમજ કામ પુરતા મહેકમ પરના કર્મચારીઓ જેમને સાતમા પગારપંચ મુજબ પગારસુધારણા મંજુર કરવામાં આવેલ છે તેમને મળવાપાત્ર થશે.
- પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના કારણે અને બિન સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતો ખર્ચ, આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે. આ હુકમોને કારણે થતો ખર્ચ તે શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ.
- રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમને સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણા થયેલ છે તેમને મળવાપાત્ર થશે.
- આ નિર્ણય અખિલ ભારતીય સેવા (A.I.S.) અધિકારીઓને પણ લાગુ પડશે.
મોંઘવારી ભથ્થું કેવી રીતે ગણવામાં આવે છે?
મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફોર્મ્યુલા છે [(છેલ્લા 12 મહિનાના ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ની સરેરાશ – 115.76)/115.76]×100. હવે જો આપણે PSU (પબ્લિક સેક્ટર યુનિટ)માં કામ કરતા લોકોના મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ, તો એની ગણતરીની પદ્ધતિ છે- મોંઘવારી ભથ્થાની ટકાવારી = (છેલ્લા 3 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ (બેઝ વર્ષ 2001 = 100)- 126.33) )x100