રાજુલાનાં રામપરા-૨ ગામે પતિનાં હાથે પત્નીની હત્યા

અમરેલી,

રાજુલાનાં રામપરા-ર, ગામે ગઈકાલે પતિ-પત્નિ વચ્ચે સર્જાયેલ ઘર કંકાસની માથાકુટમાં ગુસ્સે ભરાયેલ પતિએ પત્નિને માથાનાં ભાગે કુહાડીનો ઘા મારી સ્થળ ઉપર જ નિર્મમ હત્યા નિપજાવ્યાની ઘટનાથી ભારે ચકચાર જાગેલ હતી. વીસ વર્ષનાં દાંપત્ય જીવન બાદ પતિ ગામતી ન હોવાનાં કારણે મેણા ટોણા મારી દુ:ખત્રાસની અવાર-નવારની ઘટનાઓનો ગઈકાલે કરૂણ અંજામ આવતા એક પુત્રિએ માતાની છત્રછાયા ગુમાવેલ હતી.

પ્રાપ્ત વિગત મુજબ રાજુલાનાં કોવાયા ગામનાં વિક્રમભાઈ સુમરાભાઈ લાખણોત્રાનાં બહેન માલુબેનના લગ્ન રામપરા-ર ગામનાં તેમના સગા ફુઈનાં દિકરા બુધાભાઈ ભીખાભાઈ વાઘ સાથે વીસ વર્ષ પહેલા થયેલ હતા. લગ્ન સંસારમાં હાલ તેમને એક સતર વર્ષની પુત્રિ પણ છે. છેલ્લા અઢી વર્ષથી બન્ને પતિ-પત્નિ વચ્ચે ભભતું મને ગમતી નથી અને મારે પોસાણ થતું નથીભભ તેમ કહી અવાર-વાર મેણા-ટોણા મારી અનહદ દુ:ખ ત્રાસ આપવામાં આવતો હતો. દોઢેક વર્ષ પહેલા પતિ-પત્નિના ઝઘડામાં પત્નિનું ગળુ દબાવી દેતા ખાનગી દવાખાનામાં સારવાર લઈ બચાવ થયેલ હતો. ત્યારે બાદ પણ પતિનાં ત્રાસથી ઝેરી દવા પી લીધેલ હતી. ત્યારે પણ સમયસરની સારવારથી જીવ બચી ગયેલ હતો. અને કુંટુંબીજનોની દરમિયાનગીરીથી પોલીસ ફરિયાદ કરવામાં આવેલ ન હતી. અને પિડિતપત્નિ અને તેમની પુત્રિને માવતરે તેડી ગયેલ હતા. બાદમાં ઘરમેળે સમાધાન કરી સાસરે મોકલી દીધેલ હતા. આ સમાધાન કારી પગલાનો પણ કરૂણ અંજામ આવેલ હતો.

ગઈકાલે બપોરનાં ત્રણેક વાગ્યાનાં સુમારે પતિ-પત્નિના ઝઘડામાં પતિએ પત્નિ માલુબેનને માથાનાં ભાગે કુહાડીનો ઘા મારી દેતાં લોહી-લુહાણ હાલતમાં કારમાં રાજુલા દવાખાને ખસેડવામાં આવેલ હતો. જયાં ફરજ પરના તબિબે મૃત જાહેર કરેલ હતા. પોતાની બહેનનાં નિષ્પ્રાણ દેહને જોઈને તેમનાં ભાઈએ બનેવીને ઘટના અંગે પુછપરછ કરતા બનેવીએ જણાવેલ હતું કે તેમણે જ માથાનાં પાછળનાં ભાગે કુહાડાનો ઘા મારી દેતાં ઘટનાં સ્થળે જ મોત નિપજેલ હતું. ઘટના અંગે મૃતક મહિલાનાં ભાઈએ પોતાનાં બનેવી સામે રાજુલા મરીન પીપાવાવ પોલીસમાં હત્યાનો ગુન્હો નોંધાવેલ હતો. પી.એસ.આઈ., ડી.બી. મજીઠીયાએ આગળની તપાસ હાથ ધરેલ હતી. વીસ વર્ષનાં દાંપત્ય જીવનમાં છેલ્લા અઢી વર્ષથી પતિ- પત્નિ વચ્ચે સર્જાયેલ ખટરાગમાનો આખરે આવેલ કરૂણ અંજામમાં પતિનાં હાથે જ પત્નિની નિર્મમ હત્યા થયેલ હતી.