હાઈ પ્રોફાઇલ રેપકાંડ : પાવાગઢ મંદિરનો પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ પોલીસમાં હાજર

શહેરના ચકચારી હાઇપ્રોફાઇલ બળાત્કાર પ્રકરણમાં આરોપી અને પાવાગઢ મંદિરના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ નાટ્યાત્મક રીતે ક્રાઇમ બ્રાંચમાં હાજર થયો છે. જોકે પોલીસતંત્ર દ્વારા આ અંગે કોઇ સમર્થન અપાયું નથી. જ્યારે બીજો આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન વડોદરા બહાર સલામત સ્થળે આશ્રય લઇ રહ્યો છે, તે પણ આગામી દિવસોમાં નાટ્યત્મક રીતે ક્રાઇમ બ્રાંચમાં હાજર થઇ જાય એવી શક્યતા છે. આ હાઇપ્રોફાઇલ બળાત્કાર પ્રકરણમાં મીડિયાને દૂર રાખવા ક્રાઇમ બ્રાંચ દ્વારા પાણીગેટ ભદ્રકચેરી સ્થિત એની કચેરીના ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એલએલબીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને છાતી અને પેઢા પર મુક્કા-લાતો મારી નરાધમો રાજુ ભટ્ટ અને અશોક જૈને હેવાનિયત પર ઊતરી આવી દુષ્કર્મ આચર્યું હતું.

યુવતી દ્વારા હજુ સુધી પોલીસને મેમરી કાર્ડ આપવામાં આવ્યું નથી
શહેરના ચકચારી હાઇપ્રોફાઇલ બળાત્કાર પ્રકરણની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાયા બાદ તપાસ તેજ બની ગઇ છે. શુક્રવારે પીડિતાની મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે આરોપીઓ અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે માર મારવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે યુવતી દ્વારા હજુ સુધી પોલીસને મેમરી કાર્ડ આપવામાં આવ્યું ન હોવાનું જાણવા મળ્યું છે.

ક્રાઇમ બ્રાંચની કચેરીનો મુખ્ય ગેટ બંધ કરી દેવાયો
બીજી બાજુ, ક્રાઇમ બ્રાંચે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચાર ટીમ બનાવતાં બે આરોપી પૈકી પાવાગઢ ટ્રસ્ટી મંડળના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ વહેલી સવારે ક્રાઇમ બ્રાંચમાં હાજર થઇ ગયો હોવાનું વગદાર વર્તુળો દ્વારા જાણવા મળ્યું હતું. જોકે ક્રાઇમ બ્રાંચ દ્વારા આ અંગે કોઇ સમર્થન આપવામાં આવ્યું નથી. ક્રાઇમ બ્રાંચ દ્વારા આ પ્રકરણથી મીડિયાને દૂર રાખવા માટે પાણીગેટ ભદ્રકચેરી સ્થિત ક્રાઇમ બ્રાંચની કચેરીનો મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો.

પોલીસની સતર્કતાથી આરોપીઓ વિદેશ ન ભાગી શક્યા
મળેલી માહિતી પ્રમાણે, બળાત્કારના બંને આરોપી વિદેશ ફરાર ન થઇ જાય એ માટે પોલીસ તંત્ર દ્વારા તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત એમ્બેસીને આરોપીઓ અંગેની જરૂરી સૂચના આપી દેવામાં આવી હતી. પરિણામે, આરોપીઓ ફરાર થઇ શક્યા નથી. વિદેશ ભાગી જવું મુશ્કેલ જણાતાં બે આરોપીઓ પૈકી રાજુ ભટ્ટ આજે સવારે ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થઇ ગયો હતો, જ્યારે અશોક જૈન હજુ પણ પોલીસ ધરપકડથી દૂર છે. જોકે તે પણ આગામી કલાકોમાં હાજર થઇ જાય એવી શક્યતાઓને નકારી શકાય એમ નથી.

આરોપીઓના પીડિતા સાથેના બેડરૂમના ફોટા વાઈરલ
હાઇપ્રોફાઇલ બળાત્કાર પ્રકરણમાં આરોપીઓના પીડિતા સાથેના બેડરૂમના ફોટા વાઈરલ થતાં ચકચાર મચી ગઇ છે. અને હવે ફોટા વાઇરલ થયા બાદ અશોક જૈન અને રાજુ ભટ્ટ સાથે નિકટનો સંબંધ ધરાવતી વ્યક્તિઓએ પણ પોતાના મોબાઇલ ફોન સ્વિચઓફ કરી દીધા છે. જોકે ક્રાઇમ બ્રાંચ દ્વારા આ બળાત્કાર પ્રકરણ સંબંધી વ્યક્તિઓની પણ આગામી દિવસોમાં પૂછપરછ કરવા માટેની યાદી તૈયાર કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારથી ક્રાઇમ બ્રાંચ દ્વારા ફરાર આરોપી અશોક જૈનની ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓની પૂછપરછ-નિવેદનો લેવાની શરૂઆત કરી હતી.