સુરન્દ્રનગર, લોક્સભા ૨૦૨૪ની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. રૂપાલાએ પોતાના નિવેદનને લઈને બે વખત માફી માગી છે છતાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે અને રૂપાલાની ટિકિટ રદ કરે તેવી ભાજપ પાસે માગ કરી રહ્યા છે. રૂપાલાના નિવેદન પર સુરન્દ્રનગર જિલ્લાના સાત રાજવીઓ ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા હતા. ત્યારે હવે વધુ એક રાજવી ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા છે.
પરશોત્તમા રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિયોમાં ભારે નારાજગી છે અને ઠેર-ઠેર ભાજપનો અને રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ગામે-ગામ વિરોધમાં બેનરો લગાવડાવામાં આવી રહ્યા છે અને ક્ષત્રિય સમાજની બેઠકો થઈ રહી છે. કચ્છ, રાજપીપળા સહિત અનેક રાજવીઓ ક્ષત્રિય સમાજના સમર્થનમાં નિવેદન જાહેર કરી ચૂક્યા છે ત્યારે હવે લુણાવાડા સ્ટેટના રાજવી સિધ્ધરાજસિંહજીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે પરશોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લેવી જોઈએ.
’મિત્રો, મુરબ્બીઓ, આદરણીય વડીલશ્રીઓપચૂંટણીનો આજનો સમય કેવી કેવી દિશામાં ફંટાઈ રહયો છે અને રાજકારણની વ્યક્તિઓની જીભ કેવી અનિષ્ટ પરિસ્થિતિ સર્જે છે તે આપણે સૌ જાણીએ છીએ. માનનીય રૂપાલાજીએ ઉત્સાહમાં બફાટ કરી રાજપૂત કોમના ગૌરવવંતા ઈતિહાસને ભૂલી જઈને રાજપૂત કોમની લાગણીને દુભવે તેવી ભાષા યોજી છે. જેનો ચારે દિશામાંથી યોગ્ય રીતે વિરોધ થઈ રહ્યો છે.
રાજપૂત કોમ નેક દિલ છે, ટેકવાળી, સ્વભાવે સ્વમાની અને પરગજુ છે. રાષ્ટ્રના દરેક કપરા સમયે રાજપૂત કોમનું વિરત્વ જ રાષ્ટ્રને કામ આવ્યું છે. વિશ્ર્વના ઈતિહાસમાં રાજપૂત કોમનો જોટો જોવા મળે તેમ નથી. તેવી તે સંસ્કારી, ગુણિયલ અને સમપત-લડાયક કોમ છે. રાષ્ટ્રનું ને માનવજાતનું રાજપૂત કોમ ગૌરવ છે. અમે ઈચ્છીએ છીએ કે સમગ્ર વિશ્ર્વમાં પથરાયેલી રાજપૂત કોમની દુ:ખાયેલી લાગણીને લક્ષમાં લઈ રૂપાલાજીને સાંસદ તરીકેની ટિકિટ આપી છે તે પાછી ખેંચી લેવી જોઈએ. તેમ નહીં થાય તો રાજપૂત કોમ સ્વમાનના ભોગે કશું ચલાવી નહિં લે, અને લોકશાહી ઢબે તેનો પૂરો મુકાબલો કરશે.’