રાજપાલ યાદવને ૨૯ જૂન સુધીમાં ૧૪ કરોડ રૂપિયા નહીં ચૂકવે તો જેલ થઈ શકે છે

અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓ ફરી એકવાર વધવા જઈ રહી છે. ૨૯ મેના રોજ દિલ્હીની કર્કરડૂમા કોર્ટે ચેક બાઉન્સ કેસમાં રાજપાલને ૨૯ જૂન સુધીમાં અંદાજે ૧૪ કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. જો આદેશનું પાલન નહીં થાય તો રાજપાલ યાદવને જેલ જવું પડી શકે છે. રાજપાલે હાલમાં આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના નિર્દેશક ઉદ્યોગપતિ મધુગોપાલ અગ્રવાલે જણાવ્યું કે રાજપાલ યાદવે ૨૦૧૦માં ફિલ્મ અતા પતા લપતા બનાવવા માટે તેમની પાસેથી વ્યાજ પર ૫ કરોડ રૂપિયા લીધા હતા. વ્યાજ સહિતની રકમ ૧૦ કરોડ રૂપિયા પર પહોંચી જતાં તેણે તેને પરત કરવાનું કહ્યું હતું. ઘણી વખત પૂછ્યા બાદ રાજપાલે ૫ કરોડ રૂપિયાનો ચેક આપ્યો. જ્યારે આ ચેક બેંકમાં જમા કરાવ્યો ત્યારે તે બાઉન્સ થયો હતો. ત્યારબાદ કંપનીએ તેની સામે કેસ દાખલ કર્યો હતો.

આ કેસમાં રાજપાલને જેલ પણ જવું પડ્યું હતું. આ મામલાની સુનાવણી ૨૯ મેના રોજ દિલ્હીની કર્કડૂમા કોર્ટમાં થઈ હતી. કોર્ટે રાજપાલ યાદવને ૩૦ દિવસમાં લગભગ ૧૪ કરોડ રૂપિયાની રકમ આપવાનો આદેશ આપ્યો છે. મધુગોપાલના જણાવ્યા અનુસાર, રકમ ન ચૂકવવાના મામલામાં કોર્ટે રાજપાલને ત્રણ મહિના માટે જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. તેમને હજુ સુધી રકમ મળી નથી. રાજપાલ તેમને સીધી રકમ આપી શકે છે અથવા કોર્ટમાં ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરી શકે છે. જ્યારે આ મામલે રાજપાલ યાદવનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે તે આ મામલે અત્યારે વાત નહીં કરે. સમય આવશે ત્યારે તે જવાબ આપશે.