રજનીકાંતના ફેને ઘરમાં બનાવ્યું થલાઈવાનું મંદિર,

મુંબઇ, ભારતમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ખૂબ જ મોટી ફેન ફોલોઇંગ છે. ફેન્સ તેમને પૂજે છે. તેમની આરતી ઉતારે છે. જોકે, એવી ખબર આવી છે કે રજનીકાંતના એક ફેને તેમના માટે એક મંદિર જ બનાવી દીધું છે. સાંભળીને હેરાનીમાં મૂકાયા હશો ને? પણ આ હકીક્ત છે.પોતાને રજની ફેન માનનારા કાર્તિકે પોતાના ઘરના એક ભાગને મંદિરમાં પરિવર્તિત કર્યું છે. આ મંદિરમાં તેણે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની મૂર્તિ સ્થાપિત કરી છે.

કાર્તિક અનુસાર, રજનીકાંતની મૂર્તિનું વજન ૨૫૦ કિલો છે. તેણે કહ્યું કે, અમારા માટે રજનીકાંત ભગવાન છે. મેં સન્માન આપવા માટે તેમના માટે એક મંદિર બનાવ્યું છે. કાર્તિકની દીકરી અનુશિયાએ પણ રજનીકાંત પ્રત્યે પોતાની પ્રશંસા વ્યક્ત કરી. તેણે જણાવ્યું કે, અમે રજનીકાંતની મૂર્તિની એવી જ રીતે પૂજા કરીએ છીએ, જેવી અમે મંદિરમાં ભગવાનની પૂજા કરીએ છીએ.

રજનીકાંતના આ સુપર ફેન કાર્તિકનું કહેવું છે કે, હું રજનીકાંત સિવાય અન્ય કોઇ અભિનેતાની ફિલ્મ જોતો નથી. અમારા માટે તેઓ ભગવાન છે. માટે તેમના માટે મેં મંદિર બનાવ્યું છે. અમે પાંચ પેઢીઓથી રજની સરના ફેન્સ રહ્યા છે. આ સાંભળીને તમે રજનીકાંત માટે લોકોની દિવાનગીનો આલમ સમજી શકો છો.

ખેર, રજનીકાંતની ફિલ્મોની વાત કરીએ તો, પાછલા દિવસોમાંથી રીલિઝ થયેલી તેમની ફિલ્મ ’જેલર’ એ સારી કમાણી કરી હતી. આ ફિલ્મમાં રજનીકાંતે એક એવા વ્યક્તિની ભૂમિકા ભજવી હતી જે પોતાના પોલીસકર્મી દીકરાના મોતનો બદલો લેવા માગે છે. આ ફિલ્મમાં મોહનલાલ, શિવરાજકુમાર અને જેકી શ્રોફે અગત્યનો ભાગ ભજવ્યો હતો.

હવે અભિનેતા તેમની આવનારી ફિલ્મ ’થલાઈવર ૧૭૦’ની રીલિઝની રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ લીડ રોલમાં જોવા મળશે. બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મનો ભાગ રહેશે. થલાઈવર ૧૭૦નું નિર્દેશન ટીજે ઝાનવેલ કરી રહ્યા છે. બિગ બી અને રજનીકાંતે છેલ્લીવાર મોટા પરદે ૧૯૯૧માં મુકુલ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં એક્સાથે કામ કર્યું હતું.