
હોટલો અને મોલના ચેન્જિંગ રૂમ બાદ હવે મહિલાઓ માટે હોસ્પિટલ પણ સુરક્ષિત ન રહી હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં આવેલી પાયલ મેટરનિટી હોમમાં સારવાર માટે આવતી મહિલાઓના સીસીટીવી વીડિયો યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ થઈ જતાં ખળભળાટ મચ્યો છે. વાઈરલ વીડિયો અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ ખાતે ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ ટીમ હોસ્પિટલ આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. હાલ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હોસ્પિટલના એડમિન સ્ટાફ સહીત તમામ ડોક્ટરોને નિવેદન માટે બોલાવી પૂછતા હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજકોટની હોસ્પિટલના ડાયરેક્ટરે સીસીટીવી હેક થયા હોવાનું કહી બચાવ કર્યો હતો.
અમદાવાદ સાયબર ક્રાઇમના ધ્યાન પર વીડિયો આવ્યા હોસ્પિટલમાં મહિલાઓની સારવાર ચાલી રહી હોય એ સમયના વીડિયો યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ થયા હોવાનું અમદાવાદ સાયબર ક્રાઈમના ધ્યાન પર આવતાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો. તપાસમાં આ વીડિયો રાજકોટની પાયલ મેટરનિટી હોમના હોવાનો ઘટસ્ફોટ થયો છે. ટેલિગ્રામનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એક ગાયનેક હોસ્પિટલમાં મહિલાની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી. આ ગ્રુપમાં કોઈને જોડાવું હોય તો એ અંગે પણ જણાવવામાં આવ્યું હતું. આ પ્રકારની ટ્રીટમેન્ટનો વીડિયો વાઇરલ થાય એ મહિલાની પ્રાઈવેસીનો ભંગ છે. એ બદલ અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા મહિલાની પ્રાઇવેસીના ભંગ બદલ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપ રૂમની અંદર ટીમ પહોંચી તપાસ કરતા વાઇરલ વીડિયોમાં દેખાતો ચેકઅપ રૂમ આ જ જગ્યાનો હોવાનું પુરવાર થયું હતું. આ પછી થોડી જ વારમાં રાજકોટ સાયબર ક્રાઈમની ટીમ પણ હોસ્પિટલ આવી પહોંચી હતી અને સ્થળ તપાસ કરી હતી. બાદમાં હોસ્પિટલના ડોક્ટર તેમજ એડમિન સ્ટાફને નિવેદન લેવા માટે બોલાવી તપાસ હાથ ધરી છે.
સીસીટીવી સર્વર હેક થયું હોય તેવું લાગી રહ્યું છે: ડો. અમિત અકબરી રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર અમિત અકબરીએ જણાવ્યું હતું કે, આજે મીડિયાના માધ્યમથી મને જાણ થઇ છે. અમારી હોસ્પિટલના વીડિયો કેવી રીતે વાઇરલ થયા તે મને ખબર નથી. અમારા સીસીટીવી સર્વર હેક થયું હોય તેવું લાગી રહ્યું છે. જોકે, કેમ થયું એ અંગે અમે પણ અજાણ છીએ અને અમે પોલીસને જાણ કરીશું. ફરિયાદ પણ કરીશું અને પોલીસને તમામ મુદ્દે તપાસમાં સહકાર આપીશું.
રાજકોટની પાયલ મેટરનિટી હોમના ડાયરેક્ટર ડો. સંજય દેસાઈએ કહ્યું હતું કે અમારી હોસ્પિટલ સાથે ઘણા ગાયનેક ડોક્ટર જોડાયેલા છે. આ બધું અમારી જાણ બહાર હતું. અમારા સીસીટીવી કોઈએ હેક કર્યા છે. અમે ફરિયાદ કરવાના છીએ. મહિલાઓને ઈન્જેક્શન મારવાના રૂમમાં સીસીટીવીને લઈ સવાલ કરાતાં તેમણે કહ્યું હતું કે સિક્યોરિટી કારણોસર ત્યાં રાખ્યા છે, પણ ક્યાંય ડિસ્પ્લે કરતા નથી.
આ અંગે સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માંકડિયા જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમના ધ્યાને યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલ ધ્યાનમાં આવી છે, જેમાં આ પ્રકારનો વીડિયો વાઈરલ થયા છે. આ વીડિયોનું કન્ટેન્ટ શું છે એ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. 6 જાન્યુઆરીએ યુટ્યૂબ પર અને સપ્ટેમ્બર 2024માં ટેલિગ્રામ ચેનલ બનાવીને આ વીડિયો વાઈરલ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો કોણે અને કયા ઉદ્દેશથી ઉતાર્યો એ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમ આઇટી એક્ટ 66 ઈ, 67 કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે.
આ પ્રકારનું કૃત્ય કરનારને છોડવામાં નહીં આવે- ધારાસભ્ય દર્શિતા શાહ રાજકોટનાં મહિલા ધારાસભ્ય દર્શિતા શાહે કહ્યું હતું કે દરેક ડોકટર પેશન્ટ દર્દીઓની બાબત ગુપ્ત રહે એનું ધ્યાન રાખતા હોય છે. આ કોઈ લેભાગુ તત્ત્વો દ્વારા પૈસાની લાલચે આ કૃત્યુ કર્યું છે, તેને છોડવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના પછી હોસ્પિટલની ભૂમિકા પણ શંકાના દાયરામાં લાગી રહી છે. કારણ કે હોસ્પિટલમાંથી સીસીટીવી કેમેરો દૂર કરી દેવામાં આવ્યો છે. ડોક્ટરોના કહેવા મુજબ જો સર્વર હેક થયી હોય તો રૂમમાંથી હવે કેમેરો દૂર કરવાની જરૂર શા માટે પડી?