રાજકોટ,
રાજકોટથી એક ચોંકાવનારો બનાવ સામે આવી રહ્યો છે. રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના એમબીબીએસના ત્રીજા વર્ષના તમામ વિદ્યાર્થીઓને લેક્ચરમાં બેજવાબદારીભર્યું વર્તન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પીડીયુ મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ૨૦૦ વિદ્યાર્થીને પી.એસ.એમ વિભાગના તમામ શૈક્ષણિક કાર્યમાંથી ૧૫ દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. સાથે તમામ પર ૧૫ દિવસ સુધી કોલેજ અને હોસ્ટેલના કેમ્પસમાં પણ પ્રવેશબંધી લગાવી દેવામાં આવી છે. મહત્વનું છે કે, ગત ૨૦ તારીખે ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું.
આ મામલે પી.ડી.યુ મેડિકલ કોલેજના ડીન દ્વારા એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ’સંસ્થા ખાતે તૃતિય વર્ષ પાર્ટ – ૧ અભિષેક શર્મા બેંચમાં પી.એસ.એમ વિષયના લેક્ચર તા.૨૦/૦૭/૨૦૨૩ના રોજ બપોરે ૩:૦૦થી ૪:૦૦ વાગ્યા સુધી ડો.રૂજલ ભીતોરા, પી.એસ.એમ વિભાગ લેક્ચર લેવામાં આવેલા. જેમાં વિદ્યાર્થીઓને જરૂરી સૂચનાઓ આપવા છતાં પણ તેમના દ્વારા શિસ્તભંગ અને માનભંગ થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ તેમજ લેક્ચર શરૂ ન કરવા માટે ગંભીર રીતે ખલેલ પહોંચાડવામાં આવેલ.’ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ’આ પ્રકારનું બિનજવાબદારીભર્યું વર્તન તથા ગેરશિસ્તના કારણોસર તમામ વિદ્યાર્થીઓને દિન-૧૫ ૩૧/૦૭/૨૦૨૩થી ૧૪/૦૮/૨૦૨૩ સુધી પી.એસ.એમ વિભાગના તમામ શૈક્ષણિક કાર્યમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તથા વિદ્યાર્થીઓની હોસ્ટેલ અને કોલેજ કેમ્પસની એન્ટ્રી પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.’
આ મામલે મેડિકલ કોલેજના ડીને ડો.મુકેશ સામાણીએ જણાવ્યું કે, ૨૦મી જુલાઈએ વરસાદ આવતો હોવાથી વિદ્યાર્થીઓએ લેક્ચર નહીં લેવા જણાવ્યું હતું પરંતુ લેક્ચર લેનાર પ્રોફેસરે હવે વરસાદ બંધ થઇ ગયો હોઈ લેક્ચર ચાલુ રાખવાનો આગ્રહ કર્યો હતો. જેથી વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને અયાપક વચ્ચે બોલાચાલી થઈ હતી. વિદ્યાર્થીઓએ લેક્ચર સામે બેજવાબદારીભર્યું વર્તન કર્યું હતું. જેથી કડક કાર્યવાહીના ભાગરૂપે તમામ સામે કાર્યવાહી કરવામાં આવી છે.