આજે ફરી એક વખત સેન્ટ્રલ GST ટીમ દ્વારા રાજકોટના નામાંકિત બિલ્ડરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદથી સેન્ટ્રલ GST ટીમ રાજકોટ આવી પ્રાઈડ ગ્રુપ તેમજ વન વર્લ્ડ ગ્રુપના નામાંકિત બિલ્ડર પ્રિતેશ પટેલના અલગ અલગ પ્રોજેક્ટમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વન વર્લ્ડ ગ્રુપના ચાર જેટલા પ્રોજેક્ટ તેમજ બિલ્ડરના ઘરે પણ તપાસ ચાલુ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જે તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વન વર્લ્ડ ગ્રુપના બિલ્ડર પ્રિતેશ પટેલ ભાજપના નેતા જયેશ રાદડિયા, રમેશ ટીલાળા, ભરત બોઘરા તેમજ RBA પ્રમુખ પરેશ ગજેરા સાથે સારા સંબંધો ધરાવે છે.
પ્રાપ્ત વિગત મુજબ આજે બપોરના સમયે અમદાવાદથી સેન્ટ્રલ GSTની અલગ અલગ ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને રાજકોટના નામાંકિત બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા કામગીરી શરૂ કરી હતી. જેમાં પ્રાઈડ ગ્રુપ અને વન વર્લ્ડ ગ્રુપના અલગ અલગ પ્રોજેક્ટ્સ તેમજ બિલ્ડરના ઘરે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન સેન્ટ્રલ GST અને કસ્ટમ્સના એડિશનલ જોઇન્ટ કમિશનરના સુપરવિઝન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ડિજિટલ ડેટા પણ હસ્તગત કરવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
CGSTની ટીમ દ્વારા પ્રાઈડ ગ્રુપ, આઇકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ, પીપળીયા એમ્પાયર, મધુવન વિલા, મંલગમ પ્રોજેક્ટ પર તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસ લગભગ એકથી બે દિવસ ચાલે તેવી શક્યતા સેવામાં આવી રહી છે. જે તપાસ પૂર્ણ થયા બાદ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી પૂરે પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આજે જ્યારે વન વર્લ્ડ ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે જેમાં તેમના અલગ અલગ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો ધ વન વર્લ્ડ શહેરના 150 ફૂટ રિંગરોડ પર અયોધ્યા ચોક નજીક આવેલા છે. જ્યારે ધ આકોનિક વર્લ્ડ ગોંડલ રોડ પર ટોયોટા શો-રૂમ પાસે આવેલું છે. તેમજ ભક્તિનગર સર્કલ સ્થિત પીપળીયા હોલ નજીક પીપળીયા એમ્પાયર અને સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે 80 ફૂટ રોડ પર ધ કોર્પોરેટ વર્લ્ડ નામથી પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે.