રાજકોટ,
બીમાર વ્યક્તિની તકલીફ દૂર કરવા માટે તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવે છે. પરંતુ આજના આધુનિક સમયમાં પણ ભૂત-ભૂવા અને અંધશ્રદ્ધાનો શિકાર માસૂમોએ બનવું પડે છે. આવી જ વધુ એક ઘટના ગુજરાતમાં બની છે. જેમાં બીમારી મટાડવા માટે માસૂમને ડામ આપ્યાની ઘટના સામે આવી છે. આ વખતે સૌરાષ્ટ્રમાં બનેલી ઘટનામાં શરદી-ખાંસી મટાડવા માટે ૧૦ માસની બાળકીને ડામ આપ્યાની ઘટના બની છે. સુરેન્દ્રનગરના વડગામમાં બનેલી ઘટનામાં ડામ આપનારી મહિલા ફરાર થઈ ગઈ છે જ્યારે બાળકી સારવાર હેઠળ છે. આ બાળકીને શ્ર્વાસની તકલીફ હોવાની વિગતો પણ મળી રહી છે.
સુરેન્દ્રનગરમાં ૧૦ માસની બાળકીને શરદી-ખાંસી થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાના બદલે ભૂવા પાસે લઈ જવામાં આવી હતી. વડગામમાં આવેલા સિકોતર માતાજી મંદિરમાં એક મહિલા દ્વારા બાળકીને ગરમ કરેલી વસ્તુ દ્વારા ડામ આપવામાં આવ્યો હતો. બાળકીને પેટના ભાગે ડામ આપવામાં આવ્યા હતા.બીમાર બાળકીને સાજી કરવા માટે ડામ આપવાની જે ઘટના બની તેમાં બાળકીની હાલત વધારે ગંભીર થઈ હતી. ૧૦ માસની બાળકીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
૪ ઓગસ્ટના રોજ બાળકીને સાંજે પાંચ વાગ્યા ડામ આપવામાં આવ્યા હતા, જે બાદ તેને સારવાર માટે રાત્રે દાખલ કરવામાં આવી હતી. જે બાળકીને ડામ આપવામાં આવ્યા છે તેનો પરિવાર વિરમગામમાં રહે છે. બાળકીની તકલીફ વધતી હતી અને સગાએ સલાહ આપ્યા બાદ પરિવારે તેને ડામ અપાવ્યા હોવાનું કબૂલ્યું છે.
બાળકીને ડામ આપ્યા તે પહેલા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હોવાની વાત પણ બાળકીના દાદાએ કબૂલી છે. જેમાં તેમણે કહ્યું કે ડૉક્ટરને બતાવ્યું ત્યારે તેમને ૫૦થી ૬૦ હજાર રૂપિયાનો ખર્ચ થવાની વાત કરવામાં આવી હતી. આ પછી આટલા રૂપિયા તાત્કાલિક એકઠા કરવા મુશ્કેલ હતા અને સગાએ ડામ આપવાની વાત કરી હતી. પરિવારના સભ્યએ એ પણ કબૂલ્યું કે તેઓ બાળકીને સરકારી હોસ્પિટલમાં નહોતા લઈ ગયા અને ખાનગી દવાખાનામાં બાળકીની સારવાર માટે તપાસ કરાવી હતી. સરકારી હોસ્પિટલમાં ન જવાનું કારણ આપીને બાળકીના દાદાએ કહ્યું કે, સરકારીમાં એટલી બધી સારવાર થાય નહીં એટલે અમે ગયા નહીં..
રેશનાલિસ્ટ પીયૂષ જાદૂગરે આ ઘટના અંગે વાત કરીને જણાવ્યું કે, લોકોને સાચી સમજ ન હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે છે, તેઓ કહે છે કે વિજ્ઞાનના પ્રચાર પ્રસારના અભાવના કારણે અને ગામડામાં ડૉક્ટરો ન હોવાના કારણે લોકો આ પ્રકારના ટૂચકા અપનાવતા હોય છે. જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે ગામડે-ગામડે ડૉક્ટર હોય તે જરુરી છે.