રાજકોટ,
શહેરમાં વધુ એક અજીબો ગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન મથકમાં બે મહિલાઓ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ છે. હની ટ્રેપની ફરિયાદ નોંધાતા આજી ડેમ પોલીસ દ્વારા બે મહિલા સહિત ત્રણ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વાસુદેવભાઈ ઉર્ફે વાસુભાઇ પોપટભાઈ વાઘરોડીયા નામના વ્યક્તિએ ધારાબેન રમેશભાઈ બાબરીયા, મીનાબેન જીવણભાઈ સોલંકી તેમજ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૮૪, ૧૨૦ (બી), ૫૦૬ (૧) તેમજ ૫૧૧ મુજબ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વાસુદેવભાઈએ જણાવ્યું છે કે, તેઓ બહુચર પ્લાસ્ટિક પેઢીના નામથી જોબ વર્કનું કામ કરે છે. મીનાબેન જીવણભાઈ સોલંકી નામની વ્યક્તિ અમારા કારખાનાની બાજુના કારખાનામાં કામ કરે છે. તે અમારા કારખાના પાસેથી નીકળતી હોવાથી અમારા બંને વચ્ચે વાતચીત થતી હતી. મીનાબેનને મેં કહ્યું હતું કે, અમારે ત્યાં કારખાનામાં મજુરની જરૂર છે. જેથી મેં તેમને કામ ઉપર આવવું હોય તો કહેજો. ત્યાર બાદ મીનાબેને મને તેમના નંબર આપ્યા હતા. અમારે અવારનવાર ફોન પર વાતચીત થતી હતી. મીનાબેન મને કહ્યું હતું કે, મારે દવાખાનાના કામે રૂપિયા ૭૦૦૦ની જરૂર છે. જેથી મેં તેમને રૂપિયા ૭૦૦૦ આપ્યા હતા. બાદમાં મેં જ્યારે ઉંછીના આપેલા પૈસા અંગે ઉઘરાણી કરતા મીનાબેને મને કહ્યું હતું કે, મારી એક બહેનપણી તારા નામની છોકરી છે. તેની સાથે હું તમારું સેટિંગ કરાવી આપીશ. જેથી હું માની ગયો હતો.
ત્યાર બાદ મીના બહેને મને ફોન પર વાતચીત કરી હતી કે, જૈન દેરાસર પાછળ આવેલ માર્કેટમાં આવી જાવ, મારી બહેનપણી ધારા પણ ત્યાં આવી ગઈ છે. હું સ્થળ પર પહોંચતા મીના બહેને ધારા સાથે મારી ઓળખાણ કરાવી હતી. તારાએ મને કહ્યું કે, મારું મોટરસાયકલ બગડી ગયું છે. જેથી મેં મારા ઓળખીતા ગેરેજવાળાને ત્યાં મોટરસાયકલ રીપેરીંગ કરવા મૂક્યું હતું. તેમજ તેનો ૩૦૦૦ ખર્ચો થયો હતો. જે પણ મેં ચૂકવ્યો હતો. ત્યાર બાદ હું અને ધારા બાબરીયા સોખડા ચોકડી ખાતે ફરવા ગયા હતા, ત્યાં અમે સમય પણ વિતાવ્યો હતો. સાંજના સમયે અમે પરત પણ આવી ગયા હતા. ત્યાર બાદ બીજા દિવસે ૨૨ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ધારાનો મને ફોન આવ્યો હતો કે, મારે દવાખાનાનું કામ છે. તમે મને રૂપિયા ૧૦,૦૦૦ આપો. જેથી મેં તેને કહ્યું હતું કે, હાલ મારી પાસે કોઈ પૈસા નથી. જે ધારાને ગમ્યું ન હતું. ત્યાર બાદ મેં મીનાને ફોન કરીને કહ્યું હતું કે, તારા ૧૦૦૦૦ રૂપિયા માંગે છે તું તેને સમજાવ.
જે બાદ ધારાનો મને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણે સોખડા ચોકડીએ ગયા હતા અને જે મજા કરી હતી તેનો વીડિયો મારી પાસે છે. તેનું શું કરવું છે. મને તું દોઢ લાખ રૂપિયા આપ નહીં તો હું તારા કારખાને આવીશ અને બખાડા કરીશ, તેમ જ વીડિયો વાયરલ કરી નાખીશ. ત્યાર બાદ મને મીનાનો પણ ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે રૂપિયા આપી દો અને તારા સાથે સમાધાન કરી નાખો. મેં ધારાને ફોન કર્યો હતો તેણે મને કહ્યું હતું કે, ૧.૫ લાખ ન હોય તો મને એક લાખ આપી દો. જેથી મેં તને કહ્યું હતું કે, એક લાખ પણ નથી. જે બાદ મીનાનો મારી ઉપર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ધારાએ કહ્યું છે કે, તે એક લાખ માંગે છે. તમારે શું કરવું છે?
હું સવારના ૧૧ વાગ્યા આસપાસ મારા કારખાને હતો, ત્યારે ફરી એક વખત ધારાનો મને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, ૫૦૦૦૦ રૂપિયા આપી દો તો હું તમારો વીડિયો ડીલીટ કરી નાખીશ, નહિતર માથાકૂટ થશે. જે વાતચીત દરમિયાન ધારાના ફોનમાંથી જ તેના કોઈ મિત્રએ મારી સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, પૂરું કરી નાખો નહીં તો આમાં મર્ડર પણ થઈ શકે તેમ છે. તેમ કહી મને ધમકી આપી હતી.