રાજકોટ,
રાજ્યમાં પોલીસ દ્વારા લોકોને વ્યાજખોરો પાસેથી કે અજાણી પેઢી પાસેથી રૂપિયા ના લેવા માટેની સલાહ આપવામાં આવતી હોય છે આમ છતાં લોકો પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા રજિસ્ટર્ડ ના હોય તેવા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લઈને ફસાતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે, જેમાં કોલસાના વેપારીને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું છે. મૃતકે જીવન ટૂંકાવતા પહેલા ત્રણ વ્યાજખોરોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.
રવાભાઈ ખોડાભાઈ ઝાપડા નામના કોલસાના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને દુકાનમાં જ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનામાં મૃતકે જીવન ટૂંકાવતા પોતાના પર ત્રાસ ગુજારતા લોકોનો ઉલ્લેખ કર્યો છે. રવાભાઈએ ૧ લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ તેની સામે ૧૩ લાખની ચૂકવણી કરી હોવાની વાત સામે આવી રહી છે.
પોતે વ્યાજે લીધેલા રૂપિયાની સામે ૧૩ ગણા રૂપિયાની ચૂકવણી કરી હોવા છતાં વ્યાજખોરો દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો, મૃતક પાસેથી ૧૩ તોલો સોનુ પડાવી લીધું હતું. ત્રણ વ્યાજખોરોમાં એક રૂપિયા એકે મકાન લખાવી લીધું હતું જ્યારે અન્યએ સોનું પડાવ્યું હતું.
ઘરના વ્યક્તિને ગુમાવના પરિવારમાં શોકનો માહોલ છે અને આ મામલે કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ રહી છે. આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી રવાભાઈનો મૃતદેહ પરિવારે સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.
પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે, ઘટના સ્થળ પર પહોંચીને આ મામલે વિગતો મેળવવાનું શરુ કર્યું છે, પ્રાથમિક તપાસ બાદ પોલીસ દ્વારા રવાભાઈ ઝાપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને જરુરી તપાસ હાથ ધરવામાં આવી છે.