રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ચાર વર્ષના બાળકનું મોત નિપજયું

રાજકોટ, શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નેપાળી પરિવારની નજરચૂક થતા ચાર વર્ષીય બાળકનો સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે બાળક સ્વિમિંગ પૂલમાં પાણી સાથે રમી રહ્યો છે. તે દરમિયાન અચાનક જ બાળક સ્વિમિંગ પૂલમાં પડી જતા તે મોત સાથે બાથ ભીડી રહ્યો હોવાના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવી છે.

મળતી વિગત અનુસાર, રાજકોટ શહેરના ન્યુ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ઓરમ એપાર્ટમેન્ટમાં મંગળવારના રોજ સાંજના ચાર વાગ્યાના અરસામાં અમૃત વિશ્વકર્મા નામનો બાળક રમતા રમતા સ્વિમિંગ પૂલમાં પડી ગયો હતો. બનાવ સંદર્ભે ૧૦૮ મારફતે બેભાન હાલતમાં અમૃત વિશ્વકર્માને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર હાજર રહેલા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.