રાજકોટ, છેલ્લા કેટલાંક સમયથી એસ.ટી. નિગમમાં નવી બસોની આવક બંધ થઇ ગઇ હતી. પરંતુ હવે ફરી આવતા સપ્તાહથી જ રાજકોટ સહિત રાજયભરમાં ૧૬ ડિવીઝનોને નવી બસોની ફાળવણી શરૂ કરી દેવામાં આવનાર હોવાનું એસ.ટી. વિભાગનાં સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આ અંગેની એસ.ટી. વિભાગનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આવતા સપ્તાહની શરૂઆતથી જ રાજકોટ એસ.ટી.વિભાગને નવી ૧૦ બસો પ્રથમ તબકકામાં ફાળવવામાં આવનાર છે. ત્યારબાદ ક્રમશ: કુલ ૭૦ જેટલી નવી બસો રાજકોટ વિભાગને મળનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાંક દિવસોથી નરોડા વર્કશોપ ખાતે નવા વાહનોનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. અને હવે મોટા ભાગની નવી બસો તૈયાર થવા આવી છે. ત્યારે આવતા ત્રણ માસ દરમ્યાન રાજકોટ સહિત રાજયભરમાં એસ.ટી. નિગમ દ્વારા ૧૨૦૦ નવી બસો ફાળવનાર છે. નવા વાહનોમાં ડિલક્સ, સુપર ડિલક્સ, ગુર્જરી નગરી, મિની બસો સહિતનાં જુદા જુદા વાહનોનો સમાવેશ થાય છે. રાજકોટ વિભાગને આવતા સપ્તાહમાં ડિલક્સ અને સુપર ડિલક્સ પ્રકારની નવી બસો ફાળવાય તેવી શકયતા છે.