રાજકોટ, રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમીનો કહેર છે. આકરા ઉનાળાને લઈને જળાશયો સૂકાભઠ્ઠ થઈ ગયા છે. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા કેટલાક જળાશયોમાં ના બરાબર પાણી બચ્યું છે. જેના પરિણામે આસપાસના વિસ્તારો કે ગામડામાં રહેતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. જો આ વખતે ચોમાસુ સમયસર નહીં બેસે તો પાણીની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા જળાશયોની વાત કરીએ તો, કરમાણ ડેમ ૧.૪૮% ભરાયેલો છે. જ્યારે ઈશ્ર્વરીયા ડેમ ૨.૭૬%, ગોંડલની ડેમમાં ૦%, વાછપરી ડેમમાં ૫.૪૬%, ભાદર ડેમમાં ૧૧.૯૬%, સંકરોલી ડેમમાં ૦.૯૯% પાણી ભરાયેલું છે.
જયારે કબીર સરોવર ડેમ અને છાપરવાડી ડેમમાં પાણી નહીવત છે. ફોફડ ૧ ડેમ ૯.૭૪%, મોજ ડેમ ૧૬.૮૯%, વેણુ બે ડેમ ૨૬.૯૯%, ન્યારી બે ડેમ ૫૩.૩૧% અને ડોંડી ડેમ ૮.૮૩% ભરાયેલો છે. આજી એક ડેમ ૬૬.૦૭% તો આજી બે ડેમમાં ૯૯.૯૯%, આજી ત્રણ ડેમ ૨૩.૭૪%, ખોડા પીપળીયા ડેમ ૬૬.૩૫% અને ફાડદંગ બેટી ડેમ ૦.૪૯% ભરાયેલો છે.
જો કે, રાજકોટના પાંચ ડેમ ગોંડલી ડેમ, સંકરોલી ડેમ, કબીર સરોવર ડેમ, છાપરવાડી ડેમ અને ફાળગંદ બેટી ડેમમાં ૧ થી ૯ ટકા સુધીનું જ પાણી છે. મહત્ત્વનું છે કે, રાજકોટમાં આજી ડેમ સિવાય મોટાભાગના જળાશયોમાં પાણીનો જથ્થો નથી. સમયસર વરસાદ નહીં પડે તો આસપાસ રહેતા લોકોને આગામી સમયમાં પાણીની સમસ્યોના સામનો કરવો પડશે. બીજી તરફ, સૌની યોજના અંતર્ગત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે.