- ફાંસીની સજા મળે તે જરૂરી.: સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર
રાજકોટ,
સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં તારીખ પડી છે. જેતપુર સેશન્સ કોર્ટ ખાતે દલીલો થઈ પૂર્ણ થઇ છે. જ્યારે આગામી ૧૩ તારીખે કોર્ટ ચુકાદો સંભળાવશે. ૭ તારીખે આરોપી જયેશ સરવૈયા દોષિત થયો છે.
નોંધનીય છે કે, શહેરના જેતલસર ગામે ૧૬ માર્ચ ૨૦૨૧ના રોજ ધોરણ ૧૧માં અભ્યાસ કરતી સૃષ્ટિ રૈયાણીની હત્યા છરીના ૩૪ ઘા ઝીંકીને કરવામાં આવી હતી. સાથે જ તેના ભાઈ હર્ષ રૈયાણીને પણ છરીના પાંચ જેટલા ઘાંચ ઝીંકવામાં આવ્યા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બેચરાજી, ડીસા સહિતના શહેરોમાં તંત્રને આવેદનપત્ર આપી સૃષ્ટિ રૈયાણી હત્યા કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે માંગણી પણ કરવામાં આવી હતી. જે તે સમયે કોંગ્રેસમાં રહેલા હાદક પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ જે તે સમયે ગુજરાત કેબિનેટમાં મંત્રી પદે રહેલા અને હાલ જેતપુરના ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ પણ ગૃહ મંત્રી સહિતનાઓને આરોપીને કડકમાં કડક સજા મળે તે પ્રકારે રજૂઆત કરી હતી. આ સમગ્ર મામલે આખરે બે દિવસ પૂર્વે રાત્રે ૧૧:૩૦ વાગ્યા આસપાસ સેશન્સ કોર્ટના જજ આર આર ચૌધરી દ્વારા આરોપી જયેશ ગિરધર સરવૈયાને સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે શરૂઆતથી જનકભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે જનકભાઈ પટેલે વાતચીત દરમિયાન જણાવ્યું છે કે, મારી નજરે સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ નિર્ભયા કેસ કરતા પણ ખૂબ જ ગંભીર અને દર્દનાક છે. મને આશા છે કે નામદાર કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની જ સજા સંભળાવવામાં આવશે. કોર્ટમાં અમે તબીબ પાસે પુરવાર કરાવ્યું છે કે, સૃષ્ટિ રૈયાણીને મારવામાં આવેલ એક-એક ઘા કોઈપણ વ્યક્તિનું મૃત્યુ નીપજાવવા માટે સક્ષમ હતા. આમ, જયેશ ગિરધર સરવૈયા દ્વારા ન માત્ર એક જ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે પરંતુ ૩૪ જેટલા વ્યક્તિઓની હત્યા કરવામાં આવી છે. આ કેસના ટ્રાયલ દરમિયાન ૫૧ સાહેદોની જુબાની લેવામાં આવી છે. પરંતુ એકપણ સાહેદ હોસ્ટાઇલ થયેલા નથી. જે તે સમયે પોલીસ દ્વારા કોર્ટમાં ૨૦૦થી ૨૧૬ પાનાની ચાર્જસીટ પણ દાખલ કરવામાં આવી હતી. જયેશ ગિરધર સરવૈયા દ્વારા જ્યારે ગુનાહિત કૃત્યને અંજામ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તે લોહીવાળી છરી અને કપડાં સાથે ભરબજારે નીકળ્યો હતો. એક પણ વ્યક્તિએ તેને પકડવાનો પ્રયાસ પણ નહોતો કર્યો.
આરોપીએ ગુનાના કામે જે છરી વાપરી હતી તે તેને હત્યાના બાર દિવસ અગાઉ ચોટીલા ખાતે આવેલ મહાકાળી નામની દુકાનમાંથી ખરીદ કરી હતી. જે દુકાનેથી તેને છરી ખરીદ કરી હતી તે દુકાનના સંચાલક ચીમનભાઈ પણ આ ગુનાના કામે કોર્ટમાં હાજર રહી પોતાની જુબાની આપી ચૂક્યા છે. આમ કોર્ટમાં પણ તે બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી કે, જયેશ ગિરધર દ્વારા સૃષ્ટિ રૈયાણીની હત્યા કરવા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદીની પત્ની ખાંટ જ્ઞાતિની છે. તેમજ મૃતક આરોપી જયેશ સરવૈયાને મામા તરીકે બોલાવતી હતી. સૃષ્ટિ રૈયાણી જેતપુર જ્યારે સ્કૂલે જતી હતી ત્યારે પણ આરોપી જયેશ સરવૈયા તેનો પીછો કરતો હતો. સમગ્ર મામલાની જાણ સૃષ્ટિએ જ્યારે પોતાના પિતાને કરી અને ત્યારે તેના પિતા દ્વારા જયેશ સરવૈયાના પિતાને સમગ્ર મામલે વાત કરવામાં આવતા જયેશ સરવૈયાના પિતાએ જયેશને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ત્યાર બાદ તે પોતાના મામાના ઘરે રહેતો હતો.
આરોપીએ અગાઉ નટુભાઈ નામના વ્યક્તિ ઉપર પણ છરી વડે હુમલો કર્યો હતો. જે અંતર્ગત તેના વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસીની કલમ ૩૨૬ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ જે તે સમયે બંને પાર્ટી વચ્ચે સમાધાન થઈ જતા જયેશને તે ગુનાના કામે સજા પડે તે પૂર્વે જ તે આઝાદ થઈ ગયો હતો. જોકે, જે તે સમયે તે કેસમાં સમાધાન ન થયું હોત તો આરોપી જયેશને સૃષ્ટિ રૈયાણીની હત્યા કરવાનો મોકો ન મળી શક્યો હોત. સમગ્ર બનાવમાં સૃષ્ટિના ભાઈ હર્ષને પણ પાંચ જેટલા છરીના ઘા લાગ્યા હતા. જોકે, એન કેન પ્રકારે હર્ષ ઘટના સ્થળેથી ભાગી નીકળતા તેનો જીવ બચી ગયો હતો.