રાજકોટ, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે રાજકોટ શહેરના મોરબી રોડ પર કૃષ્ણા બંગ્લોઝમાં રાજેશકુમાર સક્સેનાના પત્ની કંચનબેન (ઉ.વ.૪૮) ગરબા રમી રહ્યા હતા. આ દરમિયાન તેઓને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જે બાદ અચાનક બાજુમાં બેઠેલા મહિલાના ખોળામાં માથું રાખી ઢળી પડતા તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ રાજકોટ રેલવે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓને ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતા.
રાજકોટમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યુ છે અને તેના લીધે ૪૪ વર્ષીય બિલ્ડરનું મોત થયું હતું. રૈયા રોડ પરના અમૃતાપ પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર ૪૪ વર્ષીય જયેશ ઝાલાવાડિયાનું હાર્ટએટેકના લીધે નિધન થયું છે. તેઓ સવારે સાત વાગે ઘરે પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. બિલ્ડરને હોસ્પિટલ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
આમ હાર્ટએટેકના વધતા જતા બનાવના લીધે રાજ્યના આરોગ્ય નિષ્ણાતો ચિંતિત થઈ ઉઠ્યા છે. સરકારના આરોગ્ય વિભાગે પણ આ અંગે સઘન ચિંતાની લાગણી વ્યક્ત કરી છે અને આ પ્રકારના દરેક કિસ્સાનો ટ્રેક રાખીને તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે.