રાજકોટ શહેરમાં ભારે પવન અને અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં ઘુસ્યા પાણી

રાજકોટ,\ રાજકોટ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ભારે પવન સાથે વરસી રહ્યો છે. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. રાજકોટ શહેર સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં જ સરેરાશ ૩ ઈંચ વરસાદ વરસી ગયો હતો. શહેરમાં સૌથી વધુ વધુ વેસ્ટ ઝોનમાં ૩ ઈંચ જેટલો નોંધાયો છે.

અવિરત વરસાદ અને ભારે પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ સિવાય પવનના કારણે કેટલીક જગ્યાઓએ વૃક્ષો ધરાશાઈ થયાની ઘટનાઓ પણ સામે આવી છે.

રાજકોટ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે ગોઠણડુબ પાણી ભરાયા છે. શહેરના જંક્શન વિસ્તારમાં માર્ગો પર પાણી ફરી વળ્યું હતું. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં વરસાદના કારણે લોકોના મકાનોમાં પાણી ઘુસી ગયા છે. આ સિવાય રસ્તા પરની દુકાનોમાં પણ વરસાદી પાણી ઘુસી જતો સવારથી શહેરના કેટલાક વિસ્તારોમાં બંધ જેવી સ્થિતિ છે.