રાજકોટ,
રાજકોટમાં ભાજપના નેતા નીતિન ભારદ્વાજની બદનક્ષીની અરજી સેશન્સ કોર્ટે મંજુર કરી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના નેતા નીતિન ભારદ્વાજ પર કોંગ્રેસના નેતાઓ દ્વારા કરાયેલા ૫૦૦ કરોડની જમીન કૌભાંડના આક્ષેપનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસમાં નીતિન ભારદ્વાજ દ્વારા ચાર કોંગી નેતાઓ વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો.
આ મામલે સેશન્સ કોર્ટે ભારદ્રાજે કરેલી બદનક્ષીની અરજી ગ્રાહ્ય રાખી છે. નીચલી કોર્ટે બદનક્ષીનો કેસ ગાંધીનગરમાં ચાલી રહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કેસ સાથે જ ચલાવવાનો આદેશ કર્યો હતો.જેની સામે નિતીન ભારદ્રાજે સેશન્સ કોર્ટમાં રિવીઝન અરજી કરી હતી જે કોર્ટે મંજુર કરી છે. નિતીન ભારદ્રાજે કરેલા બદનક્ષીનો કેસ હવે રાજકોટની કોર્ટમાં જ ચાલશે. કોંગ્રેસના આગેવાનો સામે કોર્ટ નોટિસ ઇસ્યું કરી શકે છે.
૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ કોંગ્રસના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર અને સી.જે. ચાવડાએ એક પત્રકાર પરિષદ યોજીને આક્ષેપ કર્યો હતો કે, રાજકોટની આસપાસમાં ૨૦ કિલોમીટરના વિસ્તારમાં આવેલા અલગ અલગ સરવે નંબરની ૨૦૩૧ સુધી હેતુફેર ન થઈ શકે તેવા કેટલાક સરવે નંબરની કિંમતી જમીનના ઝોન ચેન્જ કરાવી ગુજરાતના માજી મુખ્યમંત્રી અને રાજકોટ-૨ના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણી તેમજ સુપર સીએમ તરીકે ઓળખાતા નીતિન ભારદ્વાજ સહિતના ભાજપના નેતાઓએ ૫૦૦ કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે.