
રાજકોટ,
સતત ત્રીજા દિવસે રાજકોટ રૂરલ પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. પડધરીમાં રૂ.૨.૧૬ લાખની દારૂની ૫૧૬ બોટલ સાથે રાજકોટ, સુરેન્દ્રનગર અને રાજસ્થાનના ચાર શખ્સોને દબોચી લેવાયા છે. એક કારમાંથી બીજી કારમાં દારૂનું કટિંગ થઈ રહ્યું હતું ત્યારે જ રાજકોટ રૂરલ એલસીબીની ટીમ દરોડો પાડી આરોપીઓને ઝડપી લીધાં હતા.

એલસીબીના સૂત્રોએ જણાવ્યા મુજબ, પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.જી. બડવા, કોન્સ્ટેબલ રસિકભાઈ જમોડ, અનિરુદ્ધસિંહ જાડેજા વગેરે ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઈ બારડ, કોન્સ્ટેબલ નૈમિષભાઈ મહેતા અને મનોજભાઈ બાયલને બાતમી મળી હતી કે, પડધરીની પારસ સોસાયટી પળધેશ્ર્વર મહાદેવના મંદીર પાસે ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂની બોટલોનું કટિંગ થઈ રહ્યું છે. જેથી દરોડો પાડતા દારૂના જથ્થા સાથે ચાર શખ્સને દબોચી લેવાયા હતા.
પોલીસે જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની ૫૧૬ બોટલો જેની કિંમત રૂ.૨,૧૬,૩૦૦ અને બે મોબાઇલ ફોન જેની કિંમત રૂ.૨૦,૦૦૦ તેમજ જી.જે.૦૩.એફ.ડી.૦૯૮૫ નંબરની હોન્ડા સીટી કાર અને જી.જે.૨૭.ડી.એમ.૨૮૬૮ નંબરની મારૂતી સુઝીકી અલ્ટો કાર મળી કુલ રૂ.૭,૩૬,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી દારૂ ક્યાંથી લવાયો તે અંગે તપાસ હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓમાં ધવલ ઉર્ફે શીવ બકુલભાઇ વડનગરા (રહે.ર્ક્તિીધામ સોસાયટી શેરી નં.૧ ભવાની ચોક દેવપરા મેઇન રોડ રાજકોટ), ભૈરૂસીંહ ગણેશ રાવત મીણા (માલાવત) (ઉ.વ.૨૬ રહે.કેવલપુરા ગામ તા.બડીસાદડી જી.ચિતોડ, રાજસ્થાન), ડ્રાઇવર અકરમ અબ્બાસ જરગેલા (પિંજારા) (ઉ.વ.૩૫, રહે. ગુલાબનગર સોસાયટી તા.ચુડા જી.સુરેન્દ્રનગર) કિશનલાલ મનોહરસીંહ મીણા (બુજ) (ઉ.વ.૨૪, રહે.વજીરાબાદ પાલોદ ગામ તા.ડુંગલા જી.ચિતોડ, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. ચારેયની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.