રાજકોટ: રમતાં-રમતાં પાણીની ટાંકીમાં પડી જતાં સાત વર્ષની માસુમનું નિપજ્યું મોત

રાજકોટ, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા પાસે શક્તિમાન કારખાનાની પાછળ આવેલી ઓરડીમાં રહેતા મજુર પરિવારની પુત્રી રમતા-રમતા પાણીના ટાંકામાં પડી જતા તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસને જાણ થતાં તાત્કાલિક અસરથી ગોંડલ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ગોંડલ તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ બાળકીની લાશને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, બાળકીના પિતા મજૂરી કામ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે. ગોંડલ તાલુકાના ભુણાવા ગામ પાસે આવેલી વિજય કંપનીમાં કામ કરતા અને શક્તિમાન કારખાનાની પાછળ આવેલી ઓરડીમાં રહેતી સંજયભાઈ વદેસણીયાની બંને દીકરી દીક્ષા અને દીપીકા ઓરડી પાસે આવેલા ધાબા પાસે રમતી હતી. જે દરમિયાન દીપિકા વદેસણીયા (ઉવ.૭) નામની બાળકી પાણી ભરેલી ટાંકીમાં પડી જવાથી તે ડૂબી ગઈ હતી અને જેના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માતે મોત રજીસ્ટર્ડ કરી છે.

જ્યારે અન્ય એક બનાવ રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતે બન્યો હોવાનું સામે આવ્યું છે. શાપર વેરાવળ ખાતે ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતાં વીજ વાયર તૂટતાં બે બાળકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અંક્તિ પાસવાન (ઉવ.૧૩) અને સુમિત મિસ્ત્રી (ઉવ.૧૨) નામના બે જેટલા તરુણ બ્લાસ્ટના કારણે દાઝી જતાં તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. પરપ્રાંતીય તરુણોની હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. ત્યારે કેટલા સમયમાં તરુણો રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે મળનારી સારવાર બાદ સ્વસ્થ થાય છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.