રાજકોટ પોલીસે ખોટા રવાડે ચઢેલા ૧૯ વર્ષના યુવકની લાખોની કિંમતના પ્રતિબંધિત પાઉડર સાથે ધરપકડ કરી

૧૯ વર્ષીય હર્ષ ચાવડીયા નામના વ્યક્તિને રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મંગળવારના રોજ રાત્રિના ૩:૩૦ વાગ્યાના અરસામાં રાજકોટ શહેરના કેનાલ રોડ પર આવેલા શ્રીનાથજી એપાર્ટમેન્ટ પાસેથી રૂપિયા ૧,૦૮,૪૦૦ ની કિંમતના ૧૦.૮૪ ગ્રામ એમડી ડ્રગના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કુલ બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ખાતે પીએસઆઇ તરીકે ફરજ બજાવનારા એમ. બી. માજીરાણા દ્વારા એનડીપીએસ એક્ટ અંતર્ગત ૧૯ વર્ષીય હર્ષ ચાવડીયા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પીઆઈ એસ.એમ. જાડેજા દ્વારા વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ચોક્કસ બાતમી મળી હતી કે, હર્ષ ચાવડા નામનો વ્યક્તિ ભૂત ખાના ચોકથી જિલ્લા ગાર્ડન તરફ આવવાનો છે.

જેની પાસે પ્રતિબંધિત માદક પદાર્થનો જથ્થો છે. જે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કેનાલ રોડ પર આવેલા શ્રીનાથજી એપાર્ટમેન્ટ પાસેથી હર્ષ ચાવડા નામના વ્યક્તિની ચડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી સફેદ કલરનો પદાર્થ મળી આવ્યો હતો. છે બાબતે તેને પૂછતા તેણે એમડી ડ્રગ્સ હોવાનો જણાવ્યું હતું.

આરોપી ૧૦ ધોરણ પાસ છે. તેમજ હાલ સેલ્ફથી કાર ભાડે આપવાનું કામકાજ કરી રહ્યો હોવાનું પોલીસને જણાવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી છેલ્લા એક થી દોઢ વર્ષથી એમડી ડ્રગના નશાના રવાડે ચડ્યો છે. તેમજ છેલ્લા એક દોઢ મહિનાથી એમડી ડ્રગનું છૂટક વેચાણ પણ કરતો હોવાનું કબુલાત આપી છે.

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપી દ્વારા જણાવવામાં આવેલી કબુલાત મામલે ઇન્ફોર્મેશન વેરીફાઈ કરવાનું કામકાજ પણ હાલ કરવામાં આવી રહ્યું છે. સંભવત: આગામી દિવસોમાં હર્ષ ચાવડા દ્વારા જેમની પાસેથી એમડી ડ્રગની ખરીદી કરવામાં આવતી હતી તે ડ્રગ પેડલરની પણ ધરપકડ કરવામાં આવી શકે તેમ છે.