રાજકોટ પોલીસે ૫૬ લાખના રફ હીરા અને રૂ. ૮ લાખની રોકડની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો

રાજકોટ, રાજકોટ પોલીસે રફ હિરાની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો. ત્રણ વ્યક્તિઓએ સાથે મળી મુકેશ દુધાત્રાના યુનિટમાંથી ૧૨,૨૯૪ નંગ રફ હીરા અને રોકડની ચોરી કરી હતી. શનિવારે પોલીસે તમામ ત્રણેય આરોપીને પકડી તેમની પાસેથી રૂ. ૩.૩૭ લાખ રોકડા અને રૂ. ૫૮.૫ લાખની કિંમતનો સામાન જપ્ત કર્યો હતો. ત્રણેય વ્યક્તિની ઓળખ બકુલ ઉર્ફે બકો ઢોલરીયા (૩૦) અને પરેશ મુંગલપરા (૪૫) બંને મૂળ સુરતના અને રાજકોટ શહેરમાં રહેતા જીતેશ ઉર્ફે જીતુ રૂપાપરા (૪૬) તરીકે કરવામાં આવી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ત્રણેય વ્યક્તિઓ ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હતા. ઢોલરિયા સામે રાજકોટ, ગીર-સોમનાથ, નર્મદા, સુરત અને જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ઘર તોડ, નશાબંધી અને અન્ય ગુના નોંધાયેલા છે. એ જ રીતે મુંગાપરા પર પણ ભૂતકાળમાં બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટના પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી, જુગાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાના ગુના નોંધાયેલા છે.

પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે ઢોલરિયા અને મુંગલપરા હીરા પોલિશ કરનારા છે. પોલિશ કરીને પૈસા કમાવવા માટે તેઓ જુદા જુદા શહેરોમાં જાય છે જ્યાં હીરાના એકમો આવેલા છે. એકમોમાં કામ કરતી વખતે, તેઓએ હીરા અને રોકડ રાખવાની જગ્યાઓને ધ્યાનમાં રાખે છે. ત્યાર બાદ તેઓ રાત્રીના સમયે હથોડી વડે કારખાનાના તાળા તોડી કિંમતી સામાનની ચોરીને અંજામ આપે છે. ફેબ્રુઆરીમાં, ઢોલારિયાએ દુધાત્રાના વીપી ઈમ્પેક્સ યુનિટમાં પોલીશર તરીકે લગભગ ત્રણથી ચાર દિવસ નોકરી કરી. તેણે ફેક્ટરીના ખુલવાનો અને બંધ થવાનો સમય અને હીરા જ્યાં રાખવામાં આવ્યા હતા તે સ્થળ, લોકોની સંખ્યા અને અન્ય વિગતોનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું.

દુધાત્રા પાસે તેમના યુનિટમાં ૪૦ પોલિશર્સ છે અને તેઓ સાંજે ૬ વાગ્યે ગયા પછી તેમણે યુનિટ બંધ કરી દીધું હતું. ચોરીના બે દિવસ પહેલા ઢોલરિયા અને મુંગલપરા સુરતથી રાજકોટ આવ્યા હતા અને તેમના મિત્ર રૂપાપરાના ઘરે રોકાયા હતા. ચોરી કર્યા બાદ બંને ખાનગી બસમાં સુરત ભાગી ગયા હતા. હિરાની ચોરીની ઘટના તપાસ મામલે અમે યુનિટની નજીક લગાવેલા સીસીટીવીને સ્કેન કર્યા અને ચોરોને શોધી કાઢવા માટે અમારા બાતમીદાર અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો. અને અમને સફળતા મળી અમે તમામ આરોપીને ઝડપી પાડ્યા.