રાજકોટમાં પાટીલનો હુંકાર: લોક્સભામાં ૫ લાખની વધુની લીડ સાથે તમામ બેઠકો જીતશું, યુવા-મહિલાઓને તક અપાશે

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મોક્ષાર્થે યોજાયેલ કથામાં સી.આર. પાટીલ પહોંચ્યા હતા. નાની વાવડી ગામે કબીરધામ ખાતે હાલ મોરારીબાપુની રામકથા ચાલી રહી છે. ત્યારે પાટીલે મંચ પરથી કહ્યું હતું કે, કાર્યકર્તાઓમાં ધર્મ ભેરૂતા હોય તો નીતિ ઉપર ચાલશે તો સારા પર મળશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજ રોજ મોરબી કબીરધામ, નાની વાવડી ખાતે  મોરારીબાપુની રામકથામાં ઉપસ્થિત રહી પૂ. મોરારીબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

કથામાં શ્રોતાઓને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ટુંકમાં સબોધન કરતા જણાવ્યું કે, પૂ.મોરારીબાપુની કથામાં મને બાપુના આશિર્વાદ મેળવવાનું સૌભાગ્ય આપ્યું તે બદલ કથાના આયોજકોનો હ્રદયથી આભાર.  પૂ. મોરારીબાપુના દર્શન કરીને વિનંતી કરુ છું કે તેમની કથામાં જે રીતે ધર્મનો ઉદ્દેશ આપતા હોય છે, નિતિ પર ચાલવા અને અનિતિથી દુર ચાલવા સંદેશ આપતા હોય છે, વ્યસન મુક્ત તેમજ સમાજને કુરિવાજથી દુર કરવા પૂ. મોરારીબાપુનો પ્રયાસ હરહમેંશ રહેતો હોય છે તેથી આ યજ્ઞ હમેંશા ચાલુ રાખે. કથાકાર પોતાની કથામાં સમાજ સુધારાની વાત રજૂ કરે ત્યારે ખૂબ મોટો પ્રભાવ પડે છે. કથાના કાર્યક્રમમાં જયારે કોઇ પણ રાજકીય પાર્ટીનો કાર્યકર ભાગ લે છે એટલે તે ઘર્મભીરુ છે. કોઇ પણ કાર્યકર ધર્મભીરુ હોવો જ જોઇએ. 

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં 11 મહિના પહેલા ઝુલતો પુલ તુટી પડ્યો હતો અને તેમાં 135 જેટલા લોકોના મૃત્યુ નિપજયા હતા. તે દિવંગત આત્માઓના મોક્ષાર્થે હાલમાં મોરબી નજીકના નાનીવાવડી ગામે કબીર આશ્રમની સામેના ભાગમાં રામકથાકાર મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના મુખ્ય યજમાન રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા છે. આજે કથાના છઠ્ઠા દિવસે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ, ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા અને કાંતિ અમૃતિયા, માજી મંત્રી બ્રિજેશ મેરજા સહિતના રાજકીય આગેવાનો તથા સંતો મહંતો સહિતના હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સામાન્ય શ્રોતાઓની જેમ સી.આર. પાટીલે મોરારીબાપુની કથામાં પ્રત્યક્ષ હાજર રહીને કથાનું શ્રવણ કર્યું હતું. ત્યારબાદ તેમણે જણાવ્યુ હતુ કે, જે કાર્યકર્તાઓમાં ધર્મ ભીરૂ છે અને નિતી ઉપર ચાલવા માંગે છે તે કથામાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

તો મોરબી બાદ સીઆર પાટીલ રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં સીઆર પાટીલે 2024 ની ચૂંટણીને લઈ નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યું કે, 2024 માં 26 બેઠકો પર ભાજપ જીતશે. 5 લાખની વધુની લીડ સાથે તમામ બેઠકો જીતશું. આ વખતે યુવાનો અને મહિલાઓને તક આપવામાં આવશે.