રાજકોટની સ્માઈલ હોલીડે દ્વારા ઠગાઈ : દુબઈ ટૂરના બહાને ૮.૯૩ લાખ લઈ બોગસ ઈ-વિઝા તથા ટિકિટ આપી છેતરપિંડી

વડોદરા, દુબઈ હોલીડે પેકેજ વ્યક્તિ દીઠ રૂ. ૮૧,૨૦૦ની જાહેર ખબર થકી વડોદરાની ૧૧ જેટલી વ્યક્તિઓ પાસેથી ૮.૯૩ લાખની રકમ લઇ બોગસ ઈ વિઝા તથા ગ્રુપ ટિકિટ આપી ૭.૪૩ લાખની છેતરપિંડી આચરનાર રાજકોટ ખાતેની સ્માઈલ હોલીડેસના સંચાલક દંપતી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

વાઘોડિયા રોડ ખાતે રહેતા રાજેશકુમાર શેલત સરદાર સરોવર નર્મદા નિગમમાં સુપ્રીટેન્ડેન્ટ તરીકે નિવૃત્ત થયા છે. તેમણે ફરિયાદમાં કહ્યું છે કે, જાહેર ખબરમાં દુબઈ ફરવા જવા માટે રૂ.૮૧,૨૦૦ નું પેકેજ હતું. જેથી હુએ જેતલપુર રોડ ઉપર સ્થિત પવન કોમ્પલેક્ષ ખાતેની સ્માઈલ હોલિડેઝ ઓફિસનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં શિવાની નામની મહિલા કર્મચારીએ મને કહ્યું હતું કે, અમારી હેડ ઓફિસ રાજકોટ કાલાવાડરોડ ખાતે આવેલ છે. જેના માલિક દીપ તન્ના છે. ત્યારબાદ તેમણે ભાઈ, બહેન ,બનેવી સહિતની વ્યક્તિઓના પેકેજ માટે રકમ જમા કરાવી હતી. અને અમદાવાદથી શારજહાની ટિકિટ તથા વિઝા લેટર શિવાનીએ આપ્યા હતા. જ્યારે દીપ તન્નાએ કહ્યું હતું કે, અમે બુકિંગ કરાવેલ ટિકિટ ઓનલાઇન નહીં દેખાય એરપોર્ટ ઉપર ટિકિટ આપશો એટલે બોર્ડિંગ પાસ મળી જશે. ત્યારબાદ દીપ તન્નાએ મેસેજ કરી એર અરેબિયા એરલાઇન્સએ ટિકિટો કેન્સલ કરી છે અમે ફરી વખત સેટ કરી આપીશું તેવું જણાવ્યું હતું. જો કે દરમ્યાન અમારે સામાજિક પ્રસંગ હોય નાણા પરત માંગ્યા હતા. જેથી દીપ તન્ના તથા તેના પત્ની રિદ્ધિ તન્નાએ રાજકોટ ખાતે બોલાવી ચેક આપ્યા હતા. ચેક ચેક બેંકમાં ડિપોઝિટ કરતા રિટર્ન થયા હતા. ત્યારબાદ દોઢ લાખની રકમ પરત કરી હતી.