ગાંધીનગર, રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડમાં ૩૩ માસૂમ બાળકોએ જીમ ગુમાવ્યા બાદ સફાળે જાગેલ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહીનાં આદેશ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી દ્વારા તાત્કાલીક ધોરણે સમગ્ર મામલે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ તરફ મોરબી અને જુનાગઢમાં આવા ગેમઝોનને બંધ કરવામાં આવ્યા છે. વિગતો મુજબ રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ જૂનાગઢ, સુરત અને ભવનાથ તળેટીમાં ચાલતી રાઈડ્સ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
જુનાગઢની ભવનાથ તળેટીમાં ચાલતી રાઈડ્સ કોઈ પણ સેટી કે સલામતી વગર ચાલતી હોવાની ચર્ચા વચ્ચે સૂરજ ફન વર્લ્ડ અને ભવનાથમાં રવિવારની વિવિધ રાઈડ્સ પણ બંધ રહેશે. તંત્રની તપાસ બાદ ફરી ક્યારે શરુ કરવી તે અંગે નિર્ણય લેવાશે. મહત્વનું છે કે, રાજકોટની ગેમિંગ ઝોનમાં કરુણાંતિકા બાદ જૂનાગઢ તંત્ર દ્વારા સુરજ ફન વર્લ્ડની રાઇડ્સ બંધ કરાઇ છે. વિગતો મુજબ ભવનાથ તળેટીમાં ચાલતી રાઇડ્સ પરવાનગી વગર ચાલતી હોવાનો અને ફાયર સેફ્ટીની પણ કોઇ વ્યવસ્થા ન હોવાનો ખુલાસો થયો છે. જેને લઈ જૂનાગઢમાં સુરજ ફન વર્લ્ડ સહિતના ગેમિંગ ઝોન બંધ કરાયા છે. આ સાથે નિયમોની ઐસીતૈસી કરતા રાઇડ્સ અને ગેમઝોન સંચાલકો સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
આ તરફ રાજકોટમાં ગેમ ઝોનમાં આગકાંડ બાદ મોરબીમાં પણ તંત્રની મોટી કાર્યવાહી સામે આવી છે. વિગતો મુજબ મોરબી જિલ્લામાં આવેલા ૪ ગેમિંગ ઝોનને બંધ કરવા આદેશ અપાયા છે. મોરબી કલેક્ટરના આદેશ બાદ મોરબીના તમામ ૪ ગેમ ઝોનને બંધ કરાયા છે. વિગતો મુજબ મોરબીના થ્રીલ ચીલ, લેવલ અપ, પાપાજી ફનવર્લ્ડને બંધ કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના બાદ અત્યાર સુધી ૩૩ લોકોના મોત થયાનું સામે આવ્યું છે.