રાજકોટ, રાજકોટના પડધરીમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. રાજકોટના ભગવતીપરામાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોએ આજે(૨૨ મે) પડધરીના મોટા રામપર ગામ નજીક સામૂહિક આપઘાત કર્યો છે. પરિવારના ત્રણ સભ્ય માતા-પિતા અને પુત્રએ રિક્ષામાં બેસીને ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં પડધરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન તપાસ કરતા તેમની પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં આથક તંગી અને બીમારીના કારણે પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે.
પડધરી નજીકના મોટા રામપરા ગામે સરકારી જમીનમાં જીજે-૦૩ બીએકસ-૨૮૫ નંબરની ઝ્રદ્ગય્ રિક્ષામાં એક મહિલા અને બે પુરૂષ બેભાન હાલતમાં હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ૧૦૮ને જાણ કરી હતી. આ દરમિયાન ૧૦૮ના સ્ટાફે ત્રણેય લોકોને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ પોલીસે મૃતકોના મોબાઈલ અને રિક્ષા નંબરના આધારે ઓળખ કરી હતી. તો રિક્ષા જસદણ તાલુકાના ટેટૂંકી ગામના સુરેશભાઈ સાકરીયા નામના યુવાનની હોવાનું જાણવા મળ્યું છે.મૃતકોના નામ કાદરભાઈ મુકાસમ (પતિ) (ઉ.વ.૬૨),ફરીદા મુકાસમ (પત્ની),આસીફ મુકાસમ (પુત્ર) (ઉ.વ.૩૫)છે
પોલીસે મૃતકના મોબાઈલ નંબરના આધારે મૃતકોના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેના પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારે આર્થિક તંગી અને બીમારીના કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારબાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.