રાજકોટ નાગરિક બેંકના ચેરમેને રાજીનામું આપ્યું ,તેનો ચાર્જ વાઇસ ચેરમેન જિમ્મી દક્ષિણીનો સોંપવામાં આવ્યા

Rajkot : સૌરાષ્ટ્રની અગ્રગણ્ય સહકારી બેંક રાજકોટ નાગરિક સહકારી બેંકના (Rajkot Citizens Cooperative Bank) ચેરમેન તરીકે શૈલેષ ઠાકરે રાજીનામૂં આપી દીધું છે. રાજકોટ નાગરિક બેંકની સામાન્ય સભામાં શૈલેષ ઠાકરે રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે બેંકના બોર્ડ મેમ્બરોએ ગ્રાહ્ય રાખ્યો હતો અને અંગત કારણોસર શૈલેષ ઠાકરે રાજીનામૂં આપ્યું હોવાનું સામે આવ્યું છે. શૈલેષ ઠાકરે રાજીનામું આપી દેતા તેનો ચાર્જ વાઇસ ચેરમેન જિમ્મી દક્ષિણીનો સોંપવામાં આવ્યો છે.

મહત્વનું છે કે 5 ઓક્ટોબરને ગુરૂવારના રોજ રાજકોટ નાગરિક બેંકનો સ્થાપના દિવસ છે,બેંક સાત દાયકા પૂર્ણ કરીને આઠમા દાયકામાં પ્રવેશ કરી રહી છે બેંક દ્વારા તેની ઉજવણી ચેરમેનના વડપણ હેઠળ યોજવાની જાહેરાત પણ કરવામાં આવી હતી, પરંતુ સ્થાપના દિવસની ઉજવણી પહેલા જ ચેરમેને રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ પણ શરૂ થઇ છે.

રાજકોટ નાગરિક સહકારી બેંકના મિડીયા કો-ઓર્ડિનેટર અલ્પેશ મહેતાએ જણાવ્યું હતું કે, ચેરમેન શૈલેષભાઇ ઠાકરનો પોતાનો વ્યક્તિગત વ્યવસાય છે.તાજેતરમાં તેના ભાગીદારનું સ્વાસ્થ્ય સારૂ ન રહેતા તેઓની પોતાના વ્યવસાય પ્રત્યેની જવાબદારીઓ વધી છે. જેથી શૈલેષભાઇ બંન્ને જગ્યાએ એકસાથે સમય આપી શકતા ન હોવાને કારણે તેઓએ રાજીનામું આપ્યું છે. જો કે તેઓએ એવું પણ ઉમેર્યું છે કે શૈલેષભાઇ ઠાકર બેંકના ચેરમેન પદની જવાબદારીમાંથી મુક્ત થયા છે પરંતુ બેંકના ડિરેક્ટર તરીકે યથાવત રહેશે.

રાજકોટના નાગરિક સહકારી બેંકમાં થોડા દિવસ પહેલા બે મેનેજરો વચ્ચેનો વિવાદ સામે આવ્યો હતો.જેમાં બેંકના ચીફ મેનેજર વિબોધ દોશીએ ચીફ મેનેજર પ્રશાંત રૂપારેલીયા સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં વિબોધ દોશીએ ચીફ મેનેજર પ્રશાંત રૂપારેલિયા સામે અઢી કરોડની ઉચાપત કરવાનો આક્ષેપ લગાવ્યો હતો અને વિબોધ દોષીને પ્રશાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.થોડા દિવસ પહેલા રાજકોટ નાગરિક સહકારી બેંકમાં આરબીઆઇનું ઇન્સ્પેકશન આવ્યું હતું. કેટલાક લોકોએ બેંક સામેની ફરિયાદના કારણે આ તપાસ થઇ રહી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ બેંક દ્વારા આ કાર્યવાહીને રૂટીન ગણાવવામાં આવી છે.