રાજકોટના વિવિધ વિસ્તારમાં આવતીકાલથી ત્રણ દિવસ પાણી કાપ રહેશે

રાજકોટ,

રાજકોટમાં ભર શિયાળામાં લોકોએ પાણી વિના રહેવુ પડશે. કડકડતી ઠંડી વચ્ચે પણ રાજકોટવાસીઓએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીકાપ સહન કરવો પડશે. આવતીકાલ એટલે કે ૫ જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી રાજકોટના અલગ અલગ વોર્ડમાં પાણી નહીં મળે. નર્મદાના પાણીની પાઇપલાઇનમાં પણ રિપેરીંગ કરવાનું હોવાથી પાણીકાપ મુકાશે. ન્યારા અને બેડી ફિલ્ટર પ્લાન્ટમાં અપુરતું પાણી મળવાને કારણે પાણીકાપ મુકવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં આવતીકાલ એટલે કે ૫ જાન્યુઆરીથી પાણી કાપ મુકાશે. આ અંગેની જાહેરાત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવી છે. નર્મદાના પાણીની પાઇપલાઇનમાં રિપેરીંગ કરવાનું હોવાથી ન્યારા અને બેડી ફિલ્ટર પ્લાન્ટમાં અપુરતું પાણી કાપ આવવાના કારણે આ પાણીકાપ ઝીંકવામાં આવ્યો હોવાનું રાજકોટ મહાનગરપાલિકા દાવો કરી રહ્યુ છે. જેમાં આવતીકાલ એટલે કે ૫ જાન્યુઆરીએ વોર્ડ નંબર ૧ અને ૨, ૩ અને ૯ એટલે કે જંક્શન રોડ અને ગાંધીગ્રામ વિસ્તારમાં પાણી કાપ રહેશે. એ જ રીતે ૬ જાન્યુઆરીએ વોર્ડ નંબર ૨,૪,૫,૮,૯ અને ૧૦માં ગ્રીનલેન્ડ ચોકડી, ૧૫૦ ફુડ રિંગ રોડ અને સોજીત્રાનગરની કેટલીક સોસાયટીઓમાં પાણી કાપ રહેશે. તો ૭ જાન્યુઆરીના રોજ ૨,૩,૭ અને ૧૪ની કેટલીક સોસાયટીઓમાં પાણી કાપ રહેશે.

મહત્વનું છે કે ગઇકાલે સુરતમાં પણ ૫ ઝોનમાં પાણીમાં કાપ મુકવામા આવ્યો. ક્તારગામ વોટર વર્ક્સથી આવતી ૧૫૨૪ મીમી અને ૧૩૨૧ મીમી વ્યસની પાણીની લાઇનનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી ઉધના ઝોન એ, વરાછા ઝોન, લીંબાયત ઝોન અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પાણી કાપ રાખવામાં આવ્યો. તો જયારે અઠવા ઝોનમાં અંબાનગર, ભટાર ચાર રસ્તાથી સોસીયો સર્કલ અને નવી સિવિલ હોસ્પિટલ સુધીનો ઉત્તર તરફનો ભાગ, મજુરા વિસ્તાર, ધોડદોડ રોડ, રામચોક, મજુરાગેટ, ભટાર અને અઠવાલાઇન્સ વિસ્તારને પાણી પુરવઠો ન મળ્યો.