રાજકોટ: શહેરના કોમોડિટી આઈટમના ટ્રેડિંગ કરનારા વેપારી સાથે રૂપિયા 61 કરોડની છેતરપિંડી હરિયાણાની પેઢી દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. 28 વર્ષીય પ્રશાંત મિસ્ત્રી નામના વેપારી દ્વારા ગુડગાંવ હરિયાણાના ન્યુટ્રી એગ્રો ઓવરસીઝના ડિરેક્ટર પ્રેરણા બંસલ અને અવિનાશ બંસલ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ રૂપિયા 61 કરોડની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ રાજકોટ ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ ખાતે નોંધાવવામાં આવી છે.
પ્રશાંત મિસ્ત્રી રાજકોટ ખાતે બાલાજી એન્ટરપ્રાઇઝ નામથી કોમોડિટી પ્રોડક્ટનું ટ્રેડિંગ કરે છે. જે અંતર્ગત આરોપીઓ સાથે 32000 મેટ્રિક ટન સુગર ખરીદવાનો સોદો કરવામાં આવ્યો હતો. જશોદા પેટે પ્રશાંત મિસ્ત્રી દ્વારા પોતાની પેઢીના બેંક ખાતામાંથી એડવાન્સ પેટે 69,12,96,520 રૂ. આરટીજીએસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓ દ્વારા ફરિયાદીને 8,19,49,662 રૂ.ની કિંમતની આશરે 4250 ટન સુગર મોકલવામાં આવી હતી. તે સિવાય આજ દિવસ સુધી સુગરની ડિલીવરી મોકલેલ ન હોવા છતાં આરોપીઓ દ્વારા ફરિયાદીને બીજો માલ પણ મોકલી દીધેલો છે. તે પ્રકારના ઇન્વોઇસ બનાવીને GSTIN પોર્ટલમાં અપલોડ કરી દેવામાં આવ્યા હતા. આમ ફરિયાદી દ્વારા આપવામાં આવેલા ઓર્ડર મુજબનો સુગરનો જથ્થો બાકી રહેતો હોવા છતાં તે માલ ન મોકલી આપી ફરિયાદીની લેણી નીકળતી રકમ 60,93,46,858 રૂ.ની છેતરપિંડી કરવામાં આવી છે.