રાજકોટ, ગોંડલ વિધાનસભા ચૂંટણીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદ સગપરીયાને બદનક્ષી અંગે નોટિસ મોકલવામાં આવી છે. રીબડાની ત્રણ મહિલાઓએ વકીલ મારફતે ગોવિંદ સગપરીયાને નોટિસ ફટકારી છે. મહત્વનું છે, ગત વિધાનસભાની ચૂંટણી વખતે ગોવિંદ સગપરીયાએ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેને લઈને વિવાદ સર્જાયો છે.
ગત ડિસેમ્બર મહિનામાં રીબડા ખાતે યોજાયેલી જાહેર સભા ફરી ચર્ચામાં આવી ગઈ છે. કારણ કે આ જાહેર સભામાં આપવામાં આવેલા એક નિવેદનને લઈને રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદ સગપરીયાને મૂળ રીબડાના અને અત્યારે રાજકોટ રહેતા હંસાબેન દેવમુરારી, તેમના બહેન નિર્મળાબેન અને ભાવનાબેને બદનક્ષીની નોટિસ ફટકારી છે. આ નોટિસ વકીલ મારફતે મોકલવામાં આવી છે.
નોટિસમાં જણાવાયું છે કે, ગત ૨૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ રીબડા ખાતે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદ સગપરીયાએ જાહેર મંચ પરથી રીબડાના અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા વિરુદ્ધ અપમાનજનક અને અસભ્ય શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તો ત્રણેય બહેનો ( હંસાબેન દેવમુરારી, નિર્મળાબેન અને ભાવનાબેન)ના ચારિત્ર્ય અંગે ખોટી વાત કરી હતી, જેના કારણે તેમને પરિવાર, સગા સબંધીઓ તથા સમાજમાં નીચું જોવા જેવું લાંછનરુપ જીવન જીવવા ફરજ પાડેલ છે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે, નોટિસ મળ્યાના ૭ દિવસની અંદર ત્રણેય બહેનોને પચાસ લાખ લેખે દોઢ કરોડ વળતર ચુકવવામાં આવે તથા બિનશરતી માફી માંગવામાં આવે.
આપને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડાએ ગોવિંદ સગપરીયાને માનહાનિ અંગે નોટિસ ફટકારી હતી. એડવોકેટ દિનેશ પાતર મારફત માનહિનાના દાવા અંગેની લીગલ નોટિસ ફટકારવામાં આવી હતી. રાજકોટનાં ગોવિંદભાઈ સગપરીયાને ૫૦ કરોડના માનહાનિના દાવાની નોટિસ ફટકારી છે. નોટિસમાં દિવસ સાતમાં ગોવિંદભાઈ સગરપીયા માફી ન માંગે તો ન્યાય તંત્ર દ્વારા કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગોંડલ બેઠક ખૂબ ચર્ચામાં હતી, ટિકિટ માટે બે જૂથો સામ સામે આવી ગયા હતા. ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુદ્ધસિંહ પોત પોતાના પરિવાર માટે ટિકિટની માંગ કરી હતી. જે બાદ ભાજપે જયરાજસિંહના પત્ની ગીતાબાને ટિકિટ આપી હતી. જે બાદ આ મામલો ઘણો ગરમાયો હતો, બંને જૂથો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા હતા. અનિરુદ્ધસિંહ આ બેઠક પૂરતું કોંગ્રેસના ઉમેદવારને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. જાહેરસભાઓમાં બંને જૂથો એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા હતી. એટલું જ નહીં જયરાજ સિંહે રીબડામાં જઈને જાહેર સભા સંબોધી હતી. જે બાદ ગોંડલ બેઠક પરથી જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાનો વિજય થયો હતો.