રાજકોટના શ્રાવણી મેળામાં આ વખતે રાઇડ્સ જોવા મળશે નહીં ?

સૌરાષ્ટ્રનો સૌથી લોકપ્રિય મેળો હોય તો તે રાજકોટમાં યોજાતો શ્રાવણી મેળો છે. પાંચ દિવસના મેળામાં દસ લાખથી પણ વધુ લોકો તેનો લ્હાવો લેવા આવે છે. આ વખતે પણ તેવું જ થવાનું છે, પરંતુ વાત અહીંથી જ થોડી બદલાય છે. રાજકોટના મેળામાં આ વખતે ટીઆરપી ઝોનના અગ્નિકાંડની અસર જોવા મળી રહી છે. તેના લીધે લોકમેળાનું મુખ્ય આકર્ષણ એવી રાઇડ્સ જ નહીં હોય. તેની પાછળનું કારણ ટીઆરપી ગેમઝોનનો અગ્નિકાંડ છે.

રાજકોટનો લોકમેળો સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે, પાંચ દિવસના આ મેળામાં અંદાજે ૧૦ લાખ લોકો તેનો લ્હાવો લેવા માટે પહોંચતા હોય છે. રાજકોટના લોકમેળાનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર અહીની રાઇડ્સ હોય છે પરંતુ આ વખતે રાજકોટના લોકમેળાનું મુખ્ય આકર્ષણ જ જોવા નહીં મળે એવું બની શકે છે.

તેની પાછળનું કારણ એ છે કે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ કલેક્ટરે જન્માષ્ટમીના મેળામાં તકેદારી રાખી રહ્યા છે. યાંત્રિક રાઇડ્સધારકો અને જિલ્લા કલેક્ટર વચ્ચે એસઓપીમાં બદલાવ કરવાને લઈ બેઠક થઈ હતી, જે સંપૂર્ણ નિષ્ફળ રહી હતી. રાજકોટના લોકમેળામાં યાંત્રિક રાઇડ્સ ધારકો કલેક્ટરની એસઓપીથી નારાજ છે.

રાજકોટના લોકમેળા માટે આજે યાંત્રિક રાઇડ્સ ધારકોએ કલેકટર સાથે બેઠક કરી હતી. જેમાં કલેકટરે જાહેર કરેલી એસઓપીને લઈ ચર્ચા થઈ હતી. યાંત્રિક રાઇડ્સ ધારકોએ આ એસઓપીમાં ફેરફાર કરવા માટે રજૂઆત કરી એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું કે, જો એસઓપીમાં ફેરફાર નહિ થાય તો પ્લોટની હરરાજીમાં ભાગ લેશે નહિ અને મેળામાં યાંત્રિક રાઇડ્સ જોવા મળશે નહીં.

જિલ્લા કલેક્ટર દ્રારા રાઇડ્સની ફિઝિબિલિટી,રાઇડ્સનું સ્ટ્રકચર,જમીનની ગુણવત્તા સહિતના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે. એસઓપી પ્રમાણે આ વખતે લોકમેળામાં સ્ટોલ અને રાઇડ્સમાં ૩૦ ટકાનો ઘટાડો કરાવામાં આવશે. સાથે એસઓપીમાં અમુક પ્રકારના રાઇડ્સની ગુણવતાને લઈને ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે, જેની કિંમત અંદાજે ૧-૨ લાખ આસપાસ છે. જેને કારણે યાંત્રિક રાઇડ્સ ધારકોએ એસઓપીમાં બદલાવ માટેની માંગણી કરી હતી. લોકોની સુરક્ષાને યાનમાં રાખી ૫ કરોડનો વીમો વધારી ૭.૫૦ કરોડ કરાયો છે.

રાઈડ્સના સંચાલકોએ મેળાના નિયમો હળવા કરવાની કલેક્ટર સમક્ષ માગ કરી હતી. જો કે અગ્નિકાંડ બાદ તંત્ર કોઈપણ છૂટ આપવા માટે તૈયાર નથી. હાલ મેળાની યાંત્રિક રાઈડ્સને લઈને મામલો ગૂંચવાયેલો છે. રાઈડ્સ ધારકોએ જણાવ્યુ કે, મેળાને લઈને જે નિયમો બનાવાયા છે તેમા કેટલાક નિયમો એવા છે જે કાયમી રાઈડ્સ રાખવાની હોય તો તેના માટે જરૂરી હોય છે પરંતુ હંગામી રાઈડ્સ માટે આ નિયમો વધુ પડતા છે.

આ એસઓપીમાં કેટલાક એવા નિયમો છે જેમા જમીનનું સ્ટ્રક્ચર ક્યા પ્રકારનું તેનો રિપોર્ટ રજૂ કરવો. આ ઉપરાંત રાઈડ્સનો એક પ્રકારનો એક્સરે એટલે કે રાઈડ્સની ફિઝિબિલિટીની ચકાસણી કરતો એક રિપોર્ટ રજૂ કરવો. જેની સામે સંચાલકોની રજૂઆત છે કે જે રિપોર્ટ માગવામાં આવ્યા છે, તે ઘણા ખર્ચાળ છે અને માત્ર ચાર દિવસના મેળા માટે પરવળે તેમ નથી, આથી નિયમોમાં બાંધછોડ કરવાનું રાઈડ્સ સંચાલકોએ સ્પષ્ટ રીતે કલેક્ટરને જણાવ્યુ હતુ. જોકે, સામે તંત્ર પણ તકેદારીમાં કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી. જો આ જ સ્થિતિ રહી તો બની શકે કે રાજકોટના લોકમેળામાં આ વખતે રાઇડ્સ જોવા ન મળે.