રંગીલા રાજકોટમાં હાર્ટ એટેકથી મોતના સિલસિલા વધી રહ્યાં છે. ગુજરાતના આ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નાની વયના અને યુવા વયના લોકોને હાર્ટ એટેકથી મોત આવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક મૃત્યુ થયું છે. 36 વર્ષીય પિરણીતાને તેના જન્મદિને જ હાર્ટએટેક આવ્યો હતો. હૃદયના હુમલા બાદ મોત થતા મહિલાના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.
રાજકોટમાં આજે ફરી હાર્ટએટેકથી મોતનો કિસ્સો બન્યો છે. જાણીતા ડીજે ધર્મેશભાઈ ઉર્ફે અક્કી રાઠોડના પત્ની નિશિતાબેન ઘરમાં રોટલી બનાવતા હતા. ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી અને બેભાન થઇ ગયા હતા.
પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતું સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યુ નિપજ્યું છે. દુખની ઘડી તો એ છે કે, નિશિતાબેનનો 36 મો જન્મદિવસ હતો, ઘરમાં ખુશીનો માહોલ હતો, પરંતું જન્મદિને જ તેમનું મૃત્યુ થતા રાઠોડ પરિવારમાં ભારે કલ્પાંત છવાયો છે. નિશિતાબેનના મોતથી તેમની બે માસુમ દીકરીઓએ માતાનો સાયો ગુમાવ્યો છે. પરંતું રાજકોટમાં હાર્ટ એટેકથી મૃત્યુના વધતા કિસ્સા ચિંતા જગાવી રહ્યાં છે.
જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ગર્ભાશયની કોથળી ફાટી જતા હદયરોગનો હુમલો આવવાથી મોત થયાનું ખુલ્યું હતું. તેમજ નિશીતાબેનને અન્ય કોઈ બીમારી ન હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું હતું. આમ, જન્મદિવસ તેમનો અંતિમ દિવસ બન્યો હતો.
વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.