
ફરી એક વાર રાજકોટમાં માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. હજુ તો ત્રણ મહિના પહેલા જ રાજકોટમાં એક પરિવારે સ્વિમિંગ પુલમાં ડુબતા પોતાનો બાળક ગુમાવ્યો છે. ફરી રાજકોટમાં જ બે બાળકીઓના સ્વિમિંગ પુલમાં ડુબી જતા મોત થયા છે.
રાજકોટમાં રૈયા વિસ્તારમાં આવેલા શિલ્પન ઓનેક્સ બિલ્ડીંગમાં બે બાળકીના સ્વિમિંગપુલમાં ડુબી જવાથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ બંન્ને મૃતક બાળકીઓ નેપાળી પરિવારની હોવાની માહિતી છે. આ બંને બાળકીના નામ પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશ સિંહ છે.
આ બંને બાળકીઓ ત્રણ-ત્રણ વર્ષની હોવાનું સામે આવ્યું છે. સોસાયટીમાં સાયકલ ફેરવી રહી હતી ત્યારે સ્વિમિંગ પૂલમાં પડી ગઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જો કે આ અંગે હજુ કોઇ સત્તાવાર રીતે પોલીસ તરફથી જાણકારી આપવામાં આવી નથી. બે બાળકીઓના મોત થતા નેપાળી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્રણ મહિના પહેલા પણ રાજકોટમાં આવો જ એક કિસ્સો બન્યો હતો. નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર આવેલા ઓરમ એપાર્ટમેન્ટમાં સ્વિમિંગ પુલમાં ચાર વર્ષના બાળકના ડુબી જવાની મોત થયુ હતુ. આ બાળક પણ નેપાળી ચોકીદાર પરિવારનો જ હતો. ચાર વર્ષનો બાળક સ્વિમિંગ પુલ પાસે રમતો હતો, ત્યારે પાણી જોવા જતાં અંદર ગરકાવ થઈ ગયો હતો.