રાજકોટમાં નિવૃત્ત આર્મીમેનની ગળે ગોળી ધરબીને આત્મહત્યા

રાજકોટ: રાજકોટના રૈયા રોડ પર હનુમાન મઢી પાસે પ્રેરણા ફલેટમાં રહેતા અને હાલ સિક્યુરિટીમેન તરીકે નોકરી કરતા નિવૃત્ત આર્મીમેન મનીષભાઇ રવજીભાઇ વારા (ઉ.વ. ૫૦)એ કાલાવડ રોડ પર જૂના બૌધ વિહાર નજીક જે.પી. કન્સ્ટ્રકશન સાઇટ પર નોકરી ગયા બાદ મોડી રાત્રે કે વહેલી સવારે તેની પરવાના વાળી ૧૨ બોરની ગનમાંથી ફાયરિંગ કરી આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે 

પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી નિવૃત્ત આર્મીમેન મનિષભાઇ વારા (ઉ.વ. ૫૦) શ્રીરાજ સિક્યુરિટીમાં નોકરી કરતા હતા. જેની ડયૂટી કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસે બૌધ વિહાર પાસે આવેલી જે.પી. કન્સ્ટ્રકશન સાઇટ પર હતી. ગઇકાલે તે ૧૦ થી ૬ની નાઇટ ડયૂટી પર ગયા હતા. 

દરમિયાન આજે વહેલી સવારે તેનો સાથી સિક્યુરિટીમેનને મનીષભાઇએ લોહીલુહાણ હાલતમાં અને પોતાની પરવાનાવાળી ગનમાંથી ગળાના ભાગે ફાયરિંગ કરી લીધાનું જણાતા યુનિવર્સિટી પોલીસને જાણ કરાતા એ.એસ.આઇ. હાર્દિક રવીયા સહિતનો સ્ટાફ ૧૦૮ના સ્ટાફ સાથે તત્કાળ ત્યાં પહોંચી ગયો હતો. 

જ્યાં ૧૦૮ના તબીબે મનીષભાઇને મૃત જાહેર કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પી.એમ. માટે ખસેડયો હતો. 

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ત્રણભાઇ અને એક બહેનનમાં નાના હતા. તેને સંતાનમાં એક પુત્ર યશ અને પુત્રી મહેક છે. પુત્ર ખાનગી કોલેજમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે. જ્યારે પુત્રી ક્રાઇસ્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે. મનીષભાઇએ તેના સાથી કર્મચારી વલ્લભભાઇને પોતે આર્થિંક ભીંસ હોય અને પુત્રીની સ્કૂલ ફીના રૂા. ૪૦ હજાર હજાર ભરવાના હોવાની વાત કરી હતી. દરમિયાન ગઇકાલે નાઇટ ડયૂટીમાં ગયા બાદ ‘હું આર્થિંક ભીંસથી કંટાળી પગલું ભરૂં છું, કોઇનો વાંક, ગુનો નથી.’ તેવી સ્યુસાઇટ નોટ લખી પોતાની પરવાનાવાળી ગનમાંથી ગળાના ભાગે ફાયરિંગ કરી જિંદગી ટૂંકાવી લીધી હતી. હાલ વધુ તપાસ હાથ જારી રખાઇ છે.