રાજકોટના નિર્મલા રોડ નજીક દારૂની મહેફિલ ઝડપાઈ, સોસાયટીની મહિલાએ પાર્ટી કરતા શખ્સોને મકાનમાં પૂરી દીધા !

રાજકોટ,

રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી ગુનાઓની ઘટના વધી રહી છે, ત્યારે હવે નિર્મલા રોડ નજીક દારૂની મહેફિલ ઝડપાઈ છે. તિરૂપતિનગર સોસાયટીમાંથી ૮ થી વધુ શખ્સો મહેફિલ કરતા હોવાનો આક્ષેપ છે. સોસાયટીમાં અવારનવાર દારૂ પીવાની ઘટનાથી સોસાયટીની મહિલા આકરા પાણીએ જોવા મળી રહી છે. મહિલાઓએ પાર્ટી કરતા શખ્સોને મકાનમાં પૂરી ઘર બહાર તાળું માર્યુ હતુ. જો કે ૫ થી ૬ શખ્સો ભાગી ગયા હોવાની માહિતી છે. ગાંધીગ્રામ પોલીસે સ્થળ પર પહોંચી દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી છે. છેલ્લા ૬ મહિનાથી આ શખ્સો દારૂ પીને ખેલ કરતા હોવાનો મહિલાઓનો આક્ષેપ છે.

ગુજરાતમાં દારૂબંધીના નિયમો નેવે મૂક્તી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસો અગાઉ રાજકોટમાં બંધ ઓફિસમાં દારૂ પાર્ટી થતી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં કેટલાક લોકો ઓફિસમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. એટલું જ નહીં દારૂના નશામાં ચૂર થઈને ફિલ્મી ગીતો પર ઠુમકા પણ લગાવી રહ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ પણ દોડતી થઈ હતી. અને ફરી એક વાર શહેરમાં આ પ્રકારની ઘટનાએ દારુબંધી પર સવાલ ઉઠાવ્યા છે.