રાજકોટના નવા મેયર બન્યા નયના પેઢડિયા, ડેપ્યુટી મેયર પદે નરેન્દ્રસિંહ જાડેજાના નામની પસંદગી

Rajkot : રાજકોટમાં નવા મેયરના (Mayor) નામની જાહેરાત થઇ ચુકી છે. રાજકોટના નવા મેયર નયના પેઢડિયા બન્યા છે. ડેપ્યુટી મેયર પદે નરેન્દ્રસિંહ જાડેજાના નામની પસંદગી કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની પસંદગી કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે લીલુબેન જાદવના નામની જાહેરાત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રની રાજનીતિના એપિ સેન્ટર ગણાતા રાજકોટના નવા મેયરની આજે જાહેરાત કરવામાં આવી છે.  રાજકોટનું મેયર પર મહિલા માટે અનામત છે. ત્યારે  મેયર પદ માટે નયના પેઢડિયાના નામની પસંદગી કરવામાં આવી છે. મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ નૈનાબેન પેઢડીયા ભાજપમાં ખૂબ જ સક્રિય રહેલા છે. પહેલાથી જ  નયના પેઢડિયાનું નામ નિશ્ચિત માનવામાં આવતુ હતુ અને હવે મેયર તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે.

ભાજપના મોવડી મંડળ દ્વારા રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાષક પક્ષના નેતા પસંદગીમાં લોકસભા ચૂંટણીના સમીકરણો ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને આ નામોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં આગળ વધશે તેવો દાવો રાજકોટના મેયર નયના પેઢડિયા દ્વારા કરવામાં આવ્યો છે.

રાજકોટ પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમનની ટર્મ પૂર્ણ થતાં  1 સપ્ટેમ્બરે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ  હતી. રાજકોટ પ્રદેશના નેતાઓ જયંતિ કવાડિયા, આદ્યશક્તિબેન મજમુદાર અને બ્રિજરાજસિંહ દ્વારા કાઉન્સિલરો અને પદાધિકારીઓ પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રદેશ નેતાઓ દ્વારા નામોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હતુ. જે યાદીને ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક રજૂ કરવામાં આવી હતી.  જે પછી આજે રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરવામાં આવી છે.