રાજકોટના કાંગશીયાળી ગામે સ્ટોક યાર્ડમાં પડેલા વાહનોમાંથી રૂ.૨.૮૫ લાખની બેટરીઓની તસ્કરી

રાજકોટના કાંગશીયાળી ગામે આવેલી ઓટો મોબાઇલ્સની કંપનીના સ્ટોક યાર્ડમાં પડેલા ૭ આઇસર અને ૬ ડમ્પરમાંથી કુલ રૂપિયા ૨.૮૫ લાખની ૧૯ નંગ બેટરીઓની ચોરી થયાની ઘટના સામે આવી છે. આ મામલે શાપર વેરાવળ પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં ટાટા જીતેન્દ્ર ઓટો મોબાઈલ્સ કંપનીના મેનેજર યશભાઈ નરેશભાઈ ગોટેજાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટ કાંગશીયાળી ગામની સીમમાં તેમની કંપની કાર્યરત છે. અને કાંગશીયાળી ગામે આસ્થા રેસીડેન્સીની પાસે, એપલ પરીસરની બાજુમાં આવેલ ડો.નીરજા શેઠ ની માલીકીની ફોલ્ડીંગ દિવાલ વાળેલ જગ્યા ટાટા જીતેન્દ્ર ઓટો મોબાઈલ્સ દ્વારા ભાડે રાખવામાં આવી છે અને ત્યાં કંપનીના ટ્રક તથા અન્ય વાહનો પાર્ક કરેલા હોય છે. જેનું સ્ટોક યાર્ડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

ગઇ તા.૦૫/૧૨/૨૦૨૩ ના રોજ સવારના સમયે કંપનીના સીક્યુરીટી ગાર્ડ નીલેશ પંડ્યા એ યશ ભાઈ ને ફોન કરીને જાણ કરી હતી કે કંપનીના સ્ટોક યાર્ડ માં રાખેલ અલગ અલગ આઇસર તથા ડમ્પર માંથી કુલ ૧૯ નંગ બેટરીની ચોરી થઈ છે. આ માહિતી મળતા યશભાઈ સત્વરે કાંગશીયાળી ગામે પહોંચ્યા હતા. યશ ભાઈએ નાઈટ ડ્યુટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રામજીભાઈ ભગવાનજીભાઈ ચામડીયા તથા મયુરભાઈ હરીભાઈ રાઠોડ રાઠોડની પૂછપરછ કરી હતી જેમાં બંને જણાવ્યું હતું કે મયુરભાઈને બે ત્રણ રાત્રિનો ઉજાગરો હોય અને રામજીભાઈની તબિયત નાદુરસ્ત હોવાના કારણે બંને ઊંઘી ગયા હતા.

સવારે સાત વાગ્યે બંને સિક્યુરિટી ગાર્ડ ઉઠ્યા અને વાહન ચેક કરવા માટે નીકળ્યા ત્યારે આઇસર અને ડમ્પર એમ કુલ-૨૩ વાહન રાખેલ હોય જેમાંથી ટાટા કંપનીના ૭ આઇસર વાહનમાંથી કુલ-૭ બેટરીઓ અને ૬ ટાટા કંપનીના ડમ્પર વાહનમાંથી કુલ-૧૨ બેટરીઓ એમ કુલ ૧૯ બેટરીઓ જેની કિંમત રૂપિયા ૨.૮૫ લાખ થતી હોય તેની ચોરી થઈ ગઈ હતી. રાજકોટના શાપર વેરાવળ પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.