રાજકોટના ધોરાજીમાં ઠેર-ઠેર ખુલ્લી ગટરથી હાલાકી, ભૂગર્ભ ગટર પાસે ભાજપનો ઝંડો લગાવી લોકોનો વિરોધ

Rajkot : સામાન્ય રીતે ચૂંટણી પ્રચાર સમયે વિવિધ પાર્ટીઓના ઝંડા ઠેર-ઠેર લગાવીને પ્રચાર કરાતો હોય છે. પરંતુ રાજકોટના ધોરાજીમાં ગટરની કામગીરી ન થતા વિરોધ કરવા માટે ભાજપના ઝંડાનો ઉપયોગ કરાયો છે. ધોરાજીમાં ઠેર-ઠેર ગટર ખુલ્લી હોવાથી અને તેના પરના ઢાંકણા તૂટી ગયા હોવાના કારણે સ્થાનિકોએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે.

સ્થાનિકોએ ગટર પાસે ભાજપ પક્ષના ઝંડા લગાવીને નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના ઝંડા ગટર પાસે લગાવીને સ્થાનિકોએ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. કારણ, કે ઘણાં વખતથી ધોરાજીના અનેક વિસ્તારોમાં ગટર ખુલ્લી પડી છે. તેના ઢાંકણા પણ તૂટી ગયા છે.

ધોરાજીમાં ઠેર-ઠેર ભૂગર્ભ ગટરના ઢાંકણા 2 વર્ષથી ખુલ્લા છે, કેટલાંક ઢાંકણા તૂટી ગયા છે. સ્થાનિકોએ માગ કરી છે, કે તાત્કાલિક ધોરણે ગટરને બંધ કરવામાં આવે અને તેના પર નવા ઢાંકણા લગાવવામાં આવ્યા છે. ખુલ્લી ગટરના કારણે અનેક અકસ્માત સર્જાય છે. વરસાદમાં પણ ખુલ્લી ગટરમાં ખાબકી જવાની ભીતિ સર્જાઇ છે.

કોઇ પણ સમયે ગટરના કારણે મોટી દુર્ઘટના ઘટી તેવી સંભાવના છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે, કે પાલિકામાં વહીવટદારોનું શાસન છે. અનેક વાર રજૂઆત કર્યા બાદ પણ તંત્રના આંખ આડા કાન છે. તંત્રએ કોઇ કામગીરી ન કરતા કંટાળેલા સ્થાનિકોએ તંત્ર સામે વિરોધ નોંધાવવા ગટર પાસે ભાજપના ઝંડા લગાવ્યા છે.