રાજકોટના ધોરાજીમાં માનવતા લજવાઈ, ખાનગી ફાઈનાન્સ કંપનીએ લોનના હપ્તાની ચુકવણી ન કરનારાનું ઘર સીલ કર્યુ

રાજકોટ,

રાજકોટના ધોરાજીમાં ખાનગી ફાઈનાન્સ કંપનીની દાદાગીરી અને દયાહિનતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધોરાજી બસ સ્ટેન્ડ પાસે રહેતા પટેલ પરિવારના મોભીને લકવાની અસર થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. તો તેમની પત્નીને કિડનીની બિમારી હોવાથી ડાયાલિસિસ કરાવવુ પડે છે. આ પરિવારે મકાન બનાવવા ખાનગી ફાઈનાસન્સ કંપની પાસેથી લોન લીધી હતી. જેના હપ્તા તે નિયમિત ભરતા હતા. પરંતુ પરિવારના મોભીની બીમારી પછી ઘરમાં કમાનારું કોઈ રહ્યું ન હતું.

તેમજ પરિવારને ભોજનના કરવાના પણ વલખા છે. ત્યાં લોન કેવી રીતે ભરવી તે મોટો પ્રશ્ર્ન થાય છે. આવી સ્થિતિને સામાન્ય લોકો પણ સમજી શકે છે. પરંતુ ફાઈનાન્સ કંપનીના અધિકારીઓએ તો કાયદાની રૂએ દાદાગીરી કરીને મકાનને તાળુ મારી દીધું છે. મકાન માલિકની પત્ની અને દીકરી આંખમાં આંસુ સાથે અધિકારીઓને થોડા દિવસની મુદ્ત આપવા આજીજી કરતા રહ્યાં. પરંતુ અધિકારીઓએ જરા પણ દયા બતાવી ન હતી. માતા અને પુત્રીને ઘરની બહાર કાઢી તાળુ મારી દીધું હતું. જેથી પીડિતા અને સગીર પુત્રી હાલ રસ્તા પર આવી ગયા છે.