રાજકોટના બે પટેલ વેપારીની ૫૧ કિલો ચાંદી લઈ રાજસ્થાની પિતા-પુત્ર ફરાર

રાજકોટ,૮૦ ફૂટ રોડ પર નિત્યમ વીલા સોસાયટીમાં રહેતા બાબુભાઇ પ્રાગજીભાઇ કાનપરીયા(પટેલ)(ઉ.વ.૫૬)એ ફરિયાદમાં મૂળ રાજસ્થાનના અને રાજકોટમાં ભાવનગર રોડ સિલ્વર નેસ્ટ સોસાયટીમાં યસ કોમ્પલેક્ષમાં રહેતા મનોહર સત્યનારાયણ સોની અને તેમના પિતા સત્યનારાયણ વિરુદ્ધ છેતરપીંડી અંગેની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બાબુભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરિવાર સાથે રહું છુ અને આર્યનગર શેરી નં.૦૯ નોબેલ સ્કુલની સામે પેડક રોડ ખાતે આવેલ એસ.એસ.ઓ. કોર્પોરેશન નામની ચાંદીકામની પેઢી ધરાવી ચાંદીકામનો વેપાર ધંધો કરૂ છુ અને આ પેઢીમા ઘનશ્યામભાઇ કાનજીભાઇ સખરેલીયા અને ભાવેશભાઇ વજુભાઇ વઘાસીયા મારા પાર્ટનર છે અને અમે છેલ્લા પંદરેક વર્ષથી આ પેઢીના નામે ચાંદીકામનો ધંધો કરીએ છીએ.

આ પેઢીમાં અલગ અલગ કારીગરોને જરૂરીયાત અનુસાર ચાંદીનો કાચો માલ આપીને ચાંદીના ઘુઘરી,ચેન,કાસ્ટીંગ,પાયલ,રેણ અને તાર બનાવવા આપીએ છીએ અને સત્યનારાયણ સોની તથા તેનો પુત્ર મનોહર સત્યનારાયણ સોનીને અમે બે વર્ષથી ઓળખીએ છીએ અને ગઇ તા.૦૧/૦૩ ના રોજ અમારા કારીગર મનોહર સોની અમારી પેઢી ઉપર આવી અને ૨૧ કિલોગ્રામ ચાંદી અમારી પેઢીના મેનેજર દલસુખભાઇ કાછડીયાએ મનોહર સોનીને ચાંદીના દાગીના બનાવવા માટે માલ આપ્યો હતો અને તા.૦૬/૦૩ ના રોજ આ મનોહર સોનીએ અમોને ૨૧ કિલોગ્રામ ચાંદીમાંથી ૭.૧૧૨ કિલોગ્રામ ચાંદીનો માલ જમા કરાવ્યો હતો. બાકીના ૧૪ કિલોગ્રામ ચાંદીનો માલ પોતે છ-સાત દીવસમા જમા કરાવી આપશે તેવો વાયદો કર્યો હતો. પરંતુ ઘણા દીવસો થઇ જવા છતા આ મનોહર સોનીએ માલ પરત આપ્યો નહી.જેથી મનોહર સોનીને ફોન કરતા તેનો મોબાઇલ બંધ આવતો હતો બાદ અમોએ તેના ઘરે તપાસ કરતા મનોહર સોની તથા તેના પિતા સત્યનારાયણ સોની હોળીના તહેવાર હોવાથી પોતાના વતન રાજસ્થાન જતા રહ્યા હતા. બાદમાં તેને ફોન કરતા તેનો મોબાઇલ બંધ આવતો હોય જેથી આજદીન સુધી આ મનોહર સોની તથા તેના પિતા સત્ય નારાયણ સોનીએ અમારો માલ ૧૪ કિલોગ્રામ ચાંદીનો માલ રૂ.૬,૨૪,૦૦૦/- જેટલી થાય તે માલ અથવા રૂપિયા પરત કર્યા ન હોય. તેમજ આ મનોહર સોનીએ ભગીરથ સોસાયટી શેરી નં.૦૧ ખાતે આવેલ દેવ સિલ્વર આર્ટ નામની ચાંદી કામની દુકાન ધરાવી ચાંદીકામનો વેપાર ધંધો કરતા સંજયભાઇ રામજીભાઇ અમીપરા(૨હે. રણછોડનગર શેરી નં.૨૪/૨૭ નો ખુણો કડવાભાનુ રોડ હીરેન મંડપ સવસની સામે) પાસેથી ૩૭.૪૬૧ કિલોગ્રામ ચાંદી રૂ.૧૫,૦૦,૦૦૦ થાય તે ચાંદીનો માલ આપ્યો નહી અને તેની સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.આ બંનેને ઝડપી લેવા બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટ સહિતના સ્ટાફે કાર્યવાહી શરૂ કરી હતી.