રાજકોટમાંથી ૧૨.૩૬ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવતી ઝડપાઈ, કુલ ૧.૭૮ લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ,

રાજકોટમાં ખુલ્લેઆમ ડ્રગ્સનો કાળો કારોબાર થતો હોવાની વાત પુરવાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના યુવાધન બરબાદ કરવામાં લાગેલી નશાખોર પેડલર યુવતી અમી ચોલેરાની પોલીસે ધરપકડ કરી છે. અમી ચોલેરા પાસેથી ૧ લાખ ૨૩ હજાર ૬૦૦ની કિંમતનું ૧૨.૩૬ ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઇલ અને સ્કૂટર સહિત કુલ રૂ.૧.૭૮ લાખનો દ્દામાલ જપ્ત કરાયો છે. પૂછપરછમાં તેણે નામચીન શખ્સ જલાલુદ્દીન પાસેથી ડ્રગ્સ લાવી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

૨૩ વર્ષની અમી ચોલેરા શહેરના કરણપરા વિસ્તારમાં આવેલા રાજહંસ એપાર્ટમેન્ટમાં રહે છે. ર્જીંય્ પોલીસને બાતમી મળી હતી કે અમી ડ્રગ્સના જથ્થા સાથે રેસકોર્ષમાંથી પસાર થવાની છે.. જેથી પોલીસ સ્ટાફે બગીચા પાસે વૉચ ગોઠવી હતી. આ દરમિયાન અમી ચોલેરા એક્ટીવા પર પસાર થતાં પોલીસે તેને અટકાવી હતી. તપાસ કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી અને સ્કૂટરની ડેકીમાંથી ડ્રગ્સની પડીકીઓ મળી હતી. પોલીસે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવીને તપાસ કરાવડાવતા આ ડ્રગ્સ મેફેડ્રોન હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાતમાં વારંવાર ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ સામે આવે છે. આ પહેલા અમદાવાદમાં બરોડા એક્સપ્રેસ નજીક કારમાંથી ડ્રગ્સ ઝડપાયું હતુ. યુવતી સહિત વડોદરાના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. સાથે ૧૬.૧૨૦ ગ્રામ MD  ડ્રગ્સ સાથે ૧૧.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફિરદોશ મન્સૂરી અને આશિષ પરમારની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. ડ્રગ્સ ડિલિવરી આપવા આરોપી આવતા હતા. આરોપીની પુછપરછમાં સામે આવ્યું કે, આરોપી ફિરદોષ અને આશિષ બરોડામાં એક મોબાઈલ શોપમાં સાથે નોકરી કરતા હતા ત્યાંથી જ સંપર્કમાં આવ્યા હતા. જે બાદ ફિરદોષે તેના પતિને છૂટાછેડા આપી આશિષ સાથે લીવ ઈનમાં રહેતી હતી. આશિષ અને ફીરદોષ ડ્રગ્સની આદત ધરાવે છે. અને બંને આરોપી વડોદરાના સાગર મિસ્ત્રી પાસેથી ડ્રગસ ખરીદતા હતા. અને અમદાવાદ રિક્ષાવાળાઓને ડ્રગસ સપ્લાઇ કરતા હતા.

ગઇકાલે પણ મોરબીના વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામ નજીકથી એમડી ડ્રગ્સ ઝડપાયું હતુ. ૧૩૬ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઓમ પ્રકાશ જાટ નામનો શખ્સ ઝડપાયો હતો. એલસીબી પોલીસે આરોપી પાસેથી ૧૩.૬૨ લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું હતુ. રાજસ્થાનના બાડમેરથી લઈને આવતો ડ્રગ્સનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.